સમગ્ર રાજ્યમાં હાલ પશુઓમાં રોગ ફેલાવાના કિસ્સા સામે આવી રહ્યા છે અને પશુઓમાં રસીકરણ ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે ડભોઇના પણસોલી નર્મદા વસાહતમાં 250 પશુઓને રસીકરણ કરાવતા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પટેલે પશુપાલકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ હાથ ધર્યા છે.
વડોદરા જિલ્લામાં પશુઓનું રસીકરણ ચાલું છે, ત્યારે ડભોઇ તાલુકાના પણસોલી ગામે નર્મદા પુનઃ વસવાટના ખેડૂતોના પશુઓને રસીકરણ કરવામાં આવ્યું. પશુ ચિકિત્સક ડોક્ટર પુરાણી અને તેઓની ટીમ રસીકરણ કરવા આવી હતી. ઘણા ખેડૂતો પોતાના પશુઓનું રસીકરણ કરાવતા નથી કારણ કે તેઓને ડર છે કે પશુને તાવ આવશે અથવા તો વસૂકી જશે.
તેવામાં વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન અશ્વિન પટેલ દ્વારા ખેડૂત અને પશુપાલકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો અને જણાવ્યું હતું કે, ખેડૂતોની માન્યતા ખોટી છે, દરેકે પોતાના નાના કે મોટા પશુઓને રસી મુકાવી જોઈએ. અત્યારના સંજોગોમાં રસી મુકાવાથી પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે તેની સામે રક્ષણ મળે છે.
હાલ રાજ્યમાં પશુઓમાં લમ્પી વાયરસ જોવા મળી રહ્યો છે. ત્યારે પોતાના પશુઓનું પશુપાલકોએ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રસંગે પણસોલી નર્મદા વસાહત ખાતે 250 પશુઓને જાતે ઉભા રહી રસીકરણ કરાવ્યું હતું.
રિપોર્ટઃ હિતેશ જોશી, ડભોઇ