શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓને પુસ્તકો, સ્ટેશનરી, ગણવેશ ચોક્કસ દુકાન કે સંસ્થામાંથી જ ખરીદવા દબાણ કરતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.
આ સિવાય અનિયમિતતા આચરતી ખાનગી શાળાઓ સામે પ્રથમ વખત 10 હજાર, ત્યારબાદ દરેક કિસ્સામાં 25 હજાર રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જો 5 કે તેથી વધુ વખત અનિયમિતતા આચરે તેવી શાળા કે સંસ્થાની માન્યતા રદ્દ કરવામાં આવશે.
શિક્ષણ મંત્રીએ વધુ એક જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યના બાળકો શિક્ષણની સાથે સાંસ્કૃતિક ધરોહર સમાન કલા વારસાથી પરિચિત થાય તેવા હેતુસર રાજ્યની સરકારી શાળાઓમાં ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનું જ્ઞાન આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. આ માટે બાળકોને એક્સપોઝર વિઝિટના ભાગરૂપે રાજ્યના ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક સ્થળોનો પ્રવાસ કરાવવામાં આવશે. આ તમામ ખર્ચ અને વ્યવસ્થા રાજ્ય સરકાર પૂરી પાડશે.
વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આગામી દિવસોમાં રાજ્યની તમામ યુનિવર્સિટીમાં રમતોત્સવનું આયોજન પણ કરવામાં આવશે.