અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત બસ સેવા AMTSનું વર્ષ 2022-23નું સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ અવસરે મેયર કિરીટ પરમાર અને ચેરમને વલ્લભભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનાકાળમાં જે બાળકોએ માતા કે પિતા કોઈપણ મૃત્યુ પામ્યા હોય તેવા અને શાળામાં ભણતા હોય તેવા બાળકો વર્ષ દરમિયાન બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે.
આ સિવાય 65 વર્ષથી મોટી ઉમરતના તમામ સિનિયર સિટીઝનો પણ બસમાં ફ્રી મુસાફરી કરી શકશો. આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતી સંચાલિત મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે AMTS બસોમાં ફ્રી મુસાફરી માટે પાસ આપવામાં આવશે.
વલ્લભભાઈ પટેલે જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા કુલ 529.14 કરોડનું બજેટ મુકવામાં આવ્યું હતું. જેમાં 7 કરોડના સુધારા સાથે કુલ 536.14 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.
વલ્લભભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે, 450 જેટલી નવી બસો મેળવીને હાલના સમયપત્રકમાં સુધારો કરી વધુમાં વધુ ફીકવન્સી પુરી પાડવામાં આવશે. AMTS પોતાની માલિકીની 50 બસોને અમદાવાદ શહેરની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ ઉપર જરૂરીયાત મુજબ બે ભાગમાં સંચાલનમાં મુકવામાં આવશે. જમાલપુર ખાતે આવેલ ઓફિસ બિલ્ડીંગ તથા ડેપોમાં તેમજ અન્ય જગ્યાઓએ 3 કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવશે.