અમરેલી: ગર્ભવતી મહિલાને અચાનક પ્રસવ પીડા ઉપડે અને હોસ્પિટલના પહોંચી શકે તેવા કિસ્સામાં બાળકનો જન્મ રસ્તામાં જ થઈ ગયો હોય તેવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મહિલાએ મધદરિયે બાળકને જન્મ આપ્યો છે.
પીપાવાવ બંદર પાસેના દરિયામાં શિયાળ બેટની એક ગર્ભવતી મહિલાને દરિયામાં તરતી બોટમાં પ્રસૂતિ કરાવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. 108ની ટીમે પોતાની ફરજનિષ્ઠાનો પરચો બતાવતા મધદરિયે ચાલુ બોટમાં જ ગર્ભવતી મહિલાની પ્રસૂતિ કરી હતી.
શિયાળ બેટ ઉપરથી પ્રસવ પીડાનો કોલ મળતા રાજુલા થી “108” એમ્બુલન્સ સેવા આપતો પેરા મેડિકલ સ્ટાફ ટાપુ ઉપર પહોંચી ગયો હતો અને હોડી દ્વારા મહિલાને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. શિયાળ બેટથી પીપાવાવ આવવા માટે નીકળ્યા બાદ મહિલાની સ્થિતિ બગાડતાં બોટમાં જ પ્રસૂતિ કરવામાં આવી હતી અને હાઈ-ટાઈડની વચ્ચે મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો.
ત્યારબાદ મહિલા અને નવજાત બાળકને હોડીમાં કાંઠે લાવીને 108 મારફતે રાજુલા સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં માતા ગીતાબેન અને બાળકને ઓબ્જર્વેશનમાં રાખીને વેકસીન સહિતની કામગીરી રાજુલાના મહિલા તબીબ સ્ટાફે કરી હતી. માતા અને બાળકનો જીવ બચાવી લેવા બદલ ગીતાબેનના પરિવારે “108ની મેડિકલ સ્ટાફનો આભાર માન્યો હતો.