ગુજરાતના નાનાથી માંડી મોટા શહેરોમાં રખડતા ઢોરથી નાગરિકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે. પરંતુ અત્યાર સુધી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હતું. એકાદ મહિના પહેલા આખરે સી આર પાટીલ એક જાહેર કાર્યક્રમમા મનપાને રખડતા ઢોર મામલે કાર્યવાહી કરવા સૂચના આપતા આખરે તંત્ર એક્શનમાં આવ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા ઢોર પર કાર્યવાહી કર્યા બાદ હવે ઘાસચારો વેચનારા લોકો સામે પણ કાર્યવાહી કરવા કવાયત હાથ ધરી છે. જાહેરમાં વેચાતા ઘાસચારા મામલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. AMCની કમિટીમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ બાબતે ચર્ચા થઈ છે.
મંદિર નજીક ઘાસચારાના વેચાણ કરનાર સામે કાર્યવાહી કરવાના આદેશ આપી દેવામા આવ્યા છે. તેમજ શહેરની વચ્ચે અનેક જગ્યાએ ઊગેલ ઘાસચારાનો નાશ કરવાના આદેશ પણ અધિકારીઓને આપી દેવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની મળેલી બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
બેઠકમાં જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે કારણકે મંદિર તેમજ અન્ય જગ્યાએ, જાહેરમાં વેચાતા ઘાસચારાને લઈ પશુઓને ખવડવામાં આવતા અનેક જગ્યાએ ટ્રાફિકની મોટી પરેશાની સામે આવી હતી. જેને લઈ જાહેરમાં ઘાસચારાના વેચાણ પર મનાઇ કરવામાં આવી છે. કોર્પોરેશનના આ નિર્ણય બાદ આવનાર દિવસોમાં ગુજરાતના શહરોમાં રખડતાં ઢોર પર કાબૂ મેળવી લેવાય તો નવાઈ નહીં.