અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે બજેટ રજૂ કર્યું હતું. AMCની આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 2018-2019ના વર્ષનું સુધારણા સાથેનું અને 2019-2020ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.
કમિશનરે જણાવ્યું હતું કે, બજેટમાં ગત વર્ષ કરતા 1000 કરોડનો વધારો કરી 7,509 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનને સોંપ્યું હતું. આમ ચેરમેન હવે તેમાં સુધારા-વધારા કરી ફાઈનલ બજેટ રજૂ કરશે.
એએમસી દ્ધારા આ બજેટમાં સામાન્ય લોકોને રાહત આપવામાં આવી છે. બજેટમાં શહેરીજનો પર કોઈપણ પ્રકારનો ટેક્સ લાદવામાં આવ્યો નથી. આગામી દિવસોમાં મંજૂરી સાથે બજેટ રજૂ કરવામાં આવશે.
મળતી માહિતી અનુસાર, બજેટમાં મોટાભાગની જોગવાઇઓ વર્ષ 2018ના પૂર્ણ ન થયેલા કામોને પુરા કરવાની લઇને કરવામાં આવી છે. ગત વર્ષે રૂ.6500 કરોડનું બજેટ રજૂ થયુ હતું. જ્યારે આ વર્ષે જૂના સાથે નવા વિકાસ કામોની ભરમાર સાથે આ નવા અંદાજપત્રનું કદ વધીને 7509 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
એટલે કે ગયા વર્ષ કરતા આ વર્ષે બજેટમાં એક હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશનર વિજય નેહરા વર્ષ 2019-2020ના વર્ષનું અંદાજપત્ર રજૂ કર્યું હતું. આગામી મે માસ પહેલાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર હોવાથી અંદાજપત્રમાં કોઇ પણ પ્રકારનો ટેક્સ વધારો કરવામાં આવ્યો નથી તેવું માનવામાં આવી રહ્યું છે.
બજેટમાં કેપિટલ ખર્ચ તરીકે 3903 કરોડ અને રેવન્યુ ખર્ચ તરીકે 1590 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બજેટમાં ટ્રાફિક નિયમન અને પાર્કિંગ સહિતના મુદ્દાઓ ઉપર વિશેષ કાળજી રાખવામાં આવી છે. નોંધનીય છે કે આ વર્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં આ બજેટ મુક્વામાં આવશે. સ્માર્ટ અમદાવાદના નામે બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
મ્યુનિ. કોર્પોરેશનની ફરજિયાત સેવામાં આવતા પાણી, ગટર, લાઇટ અને આરોગ્ય તથા સુખાકારીના કામો સિવાય મરજિયાત કામોની મ્યુનિ. કોર્પોરેશનમાં વર્ષોથી લાંબી વણઝાર ચાલી રહી છે એ વણઝારના આગામી લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં વિકાસકામોના નામે અનેક આકર્ષક કામોનો ઉમેરો કરવામાં આવશે.
તે સિવાય બજેટમાં જોગવાઇ કરવામાં આવી છે કે આગામી બે વર્ષમાં 1000 ઇલેક્ટ્રોનિક બસ દોડાવવામાં આવશે. ઉપરાંત અમદાવાદમાં 800 કરોડ રૂપિયાના ખર્ચે નવા મલ્ટીલેવલ પાર્કિગ બનાવવામાં આવશે. તે સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ માટે 30 હજાર ઇ-રીક્ષાની પણ જોગવાઇ કરાઇ છે.