કચ્છથી કોરોનાગ્રસ્ત દર્દીને સારવાર અર્થે અમદાવાદ લઈ જઈ રહેલી એમ્બ્યુલન્સનો વિરમગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને ક્લીનરના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં છે, જ્યારે દર્દી અને બરદાસીને હળવી ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી અનુસાર, કચ્છના ભુજ શહેરના કોરોના દર્દીને અમદાવાદ વધુ સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ (GJ-12 BT 1846) વિરમગામ નજીક ધોરીમાર્ગ પર પડેલી ટ્રક (GJ-12, BR 2198)ની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર અને ક્લીનરના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મૃત્યુ નીપજ્યાં હતા, જ્યારે કોરોના દર્દી અને બરદાસીને હળવી ઈજાઓ પહોંચી હતી.
આ બનાવની જાણ થતાં જ વિરમગામ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
વિરમગામ ગ્રામ્ય પી.આઈ. વહીદાબેન શેખે આ અંગે જણાવ્યું છે કે, ડ્રાઇવર તથા ક્લીનરના મોબાઈલ ફોન લોક હોવાથી તેને ખોલવા મોકલ્યા છે. પરંતુ પ્રાથમિક માહિતી મુજબ ડ્રાઇવરનું નામ ધવલભાઈ જોશી અને ક્લીનરનું નામ સહજાદ સમાં હોવાનું સામે આવ્યું છે.