ભારતમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે. ઓમિક્રોન કેરળથી જમ્મુ-કાશ્મીર સુધી દેશના 14 રાજ્યોમાં પહોંચી ચૂક્યો છે. મંગળવારે જમ્મુ-કાશ્મીરમાં ઓમિક્રોનના 3 કેસ નોંધાયા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખ્યા છે. જેમાં કોરોના સંક્રમણને રોકવા માટે નાઇટ કર્ફ્યૂ જેવા કડક પગલા ભરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ કેન્દ્રએ રાજ્યોને વોર રૂમ એક્ટિવ કરવા પણ કહ્યું છે.
ઓમિક્રોન ડેલ્ટા કરતાં 3 ગણો વધુ સંક્રામક
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે વૈજ્ઞાનિક અહેવાલોના આધારે રાજ્યોને કહ્યું છે કે, ઓમિક્રોન કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ કરતા ત્રણ ગણો વધુ સંક્રામક છે. કેન્દ્ર સરકારે કહ્યું કે, ભારતના ઘણા વિસ્તારોમાં હજુ પણ ડેલ્ટા વેરિયન્ટના કેસ નોંધાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સ્થાનિક અને જિલ્લા સ્તરે રાજ્ય સરકારોએ દૂરદર્શિતા, ડેટા એનાલિસિસની સાથે સખત અને ઝડપી નિર્ણયો લેવાની જરૂર છે.
Union Health Secy Rajesh Bhushan writes to all States/UTs: "Omicron is at least 3 times more transmissible than Delta. Hence, even greater foresight, data analysis, dynamic decision making & strict & prompt containment action are required at the local & district level"
(File Pic) pic.twitter.com/aUjZkemqeZ— ANI (@ANI) December 21, 2021
કેન્દ્ર સરકારે રાજ્યોને આ નિર્દેશો આપ્યા
– રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું છે કે, ટેસ્ટિંગ અને દેખરેખ વધારવા ઉપરાંત નાઇટ કર્ફ્યૂ લાદવા, મોટા મેળાવડા પર પ્રતિબંધ લગાવવા, લગ્ન અને અંતિમ સંસ્કારમાં લોકોની સંખ્યા મર્યાદિત કરવા જેવા પગલાં ભરવામાં આવે.
– પત્રમાં રાજેશ ભૂષણે જિલ્લા સ્તરે કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવા, કન્ટેઈનમેન્ટ ઝોનની મર્યાદા નક્કી કરવા, કેસોની સતત સમીક્ષા કરવા, હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવા જેવા જરૂરી પગલાં ભરવાની સલાહ આપી છે.
– પત્રમાં ભૂષણે રાજ્યોને લખ્યું છે કે, વોર રૂમ, ઈમરજન્સી ઓપરેશન સેન્ટર સક્રિય કરો. કેસ ટ્રેન્ડ્સનું વિશ્લેષણ કરો. જો કેસ ઓછા હોય તો પણ જિલ્લા અને સ્થાનિક સ્તરે સક્રિય પગલાં લેવાનું ચાલુ રાખો. ક્ષેત્રીય અધિકારીઓની સાથે નિયમિત સમીક્ષા કરો. આ પગલાં ચોક્કસપણે સંક્રમણને ઘટાડવામાં મદદ કરશે.
દેશમાં ઓમિક્રોનના 220 કેસ
ભારતના 14 રાજ્યોમાં ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. અત્યાર સુધીમાં 220થી વધુ કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ મુંબઈમાં નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 65 લોકો કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમિત થયા છે. દિલ્હીમાં 34 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે આમાંથી 3 દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.
મહારાષ્ટ્રમાં 65, રાજસ્થાનમાં 18, દિલ્હીમાં 54, ગુજરાતમાં 14, ઉત્તર પ્રદેશમાં 2, જમ્મુમાં 3, કેરળમાં 15, કર્ણાટકમાં 19, તેલંગાણામાં 24, આંધ્ર પ્રદેશમાં 1, ચંદીગઢમાં 1, પશ્ચિમ બંગાળમાં 1, તામિલનાડુમાં 1, ઓડિશામાં 2 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. આ તમામ કેસ 21 ડિસેમ્બર, મંગળવારની રાતના 9 વાગ્યા સુધીના છે.