અમદાવાદના મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિરના મહંત આનંદપ્રિયદાસજી સ્વામીનો અક્ષરવાસ થયો છે. તેમણે 101 વર્ષની ઉંમરે જીવનલીલા સંકેલતા તેમના અનુયાયીઓ અને હરિભક્તોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
આજ રોજ બપોરે 2 કલાકે પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. તેમના અક્ષરવાસના અહેવાલ વાયુવેગે પ્રસરતા અમદાવાદ સહિત ગુજરાત તેમજ દેશ-વિદેશમાં વસતા તેમના હજારો ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
સંતો તેમજ હરિભક્તો આવતીકાલે તેમના અંતિમ દર્શન કરી શકશે. મહત્વનું છે કે, શ્રી અબજીબાપાશ્રીના સિંધ્ધાતોના પ્રવર્તન માટે શ્રી મુક્તજીવન સ્વામીબાપા સાથે મળીને આનંદપ્રિયદાસજી સ્વામીએ મણિનગરમાં આજથી ૩૫ વર્ષ પહેલા મંદિરના પાયા નાંખ્યા હતા અને અનેક સત્સંગીઓ બનાવ્યા અને મંદિરો પણ સ્થાપ્યા.
ઈ.સ. 1985માં મણિનગરમાં કુમકુમ સંસ્થાનું નવસર્જન કર્યા બાદ આજે આ સંસ્થા વટવૃક્ષ બની છે. સંસ્થા દ્વારા ધાર્મિક, શૈક્ષણિક, તેમજ સામાજિક ક્ષેત્રે પ્રજા કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. આમાં મુક્તજીવન ગુરુકુળ, રાહત દરે સાહિત્યનું વિતરણ, બ્લડ ડોનેશન કેમ્પ જેવી વૈવિધ્યપૂર્ણ પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
અંતિમ દર્શન વિધિનો પૂરો કાર્યક્રમ
સવારે ૭ – ૦૦ થી ૮ – ૩૦ – પૂજન, અર્ચન તથા અભિષેક વિધિ – કુમકુમ મંદિરમાં
સવારે ૮ – ૩૦ થી ૧૦ – ૦૦ – દર્શન – કુમકુમ મંદિરમાં
સવારે ૧૦ – ૦૦ થી ૧૨ – ૦૦ – પાલખી યાત્રા – કુમકુમ મંદિર – મણિનગરથી હીરાપુર સેવા કેન્દ્ર
બપોરે ૧૨ – ૦૦ થી ૨ – ૦૦ – દર્શન – કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર ખાતે
બપોરે ૨ – ૦૦ વાગે – અંતિમ સંસ્કાર વિધિ – કુમકુમ સેવા કેન્દ્ર, હીરાપુર