આગામી મહિને ચોમાસાની શરૂઆત થઈ જશે. ત્યારે તેના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સૂનની કામગીરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં પ્રિ-મોન્સૂનની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, અમદાવાદ મનપા દ્વારા દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવવા સહિતની ફરિયાદોને લઈ અલગથી મોન્સૂન કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવે છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ જણાવ્યું કે, આગામી 1 જૂનથી 30 સપ્ટેમ્બર 2022 સુધી પાલડી ખાતે મોન્સૂન કન્ટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, શહેરમાં આશરે 95 જેટલી જગ્યાઓ પર પાણી ભરાય છે જેને આઈડેન્ટિફાય કરાઈ છે. પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત કેચપીટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. જેમાં 54 હજારથી વધુ કેચપીઠની સફાઈ થઈ ચુકી છે. જેનો બીજો રાઉન્ડ પણ શરૂ થઈ ચૂક્યો છે.
મહાદેવ દેસાઈએ વધુમાં જણાવ્યું કે, શહેરમાં જે વિસ્તારમાં અને ઝોનમાં વધુ વરસાદી પાણી ભરાય છે, ત્યાં પંપ મૂકવામાં આવશે. જેનાથી ઝડપથી પાણીનો નિકાલ કરી શકાય. આ સિવાય પ્રિમોન્સૂનની કામગીરીને લઈને અધિકારીઓ દ્વારા પ્રેઝન્ટેશન પણ તૈયાર કરવામાં આવશે અને જ્યારે પણ પાણી ભરાવાની સમસ્યા કે અન્ય ફરિયાદો આવે તેને ઝડપથી નિકાલ કરવામાં તેવી વ્યવસ્થા ગોઠવાશે.