અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ગુજરાતના અમદાવાદ અને સુરતમાં સંક્રમણ સતત વધી રહ્યું છે. જેથી આજે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથનની અધ્યક્ષતામાં શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં સિવિલ હોસ્પિટલમાં એક મહિના સુધી સાંજની ઓપીડી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. જેથી આજે મુખ્યમંત્રીના મુખ્ય સચિવ કે.કૈલાસનાથના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં તેઓએ સિવિલ મેડિસીટીના સિનિયર તબીબો સાથે દ્વિપક્ષીય ચર્ચા કરીને સમગ્ર પરિસ્થિતિ અંગેની વિગતવાર માહિતી મેળવી હતી.
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. ખાનગી હોસ્પિટલોમાં 75 ટકાથી વધુ બેડ ભરાઈ ગયા છે. ત્યારે આજની આ સમીક્ષા બેઠકમાં સિવિલ મેડિસીટીમાં આવેલ કેન્સર અને કિડની હોસ્પિટલની નવી બિલ્ડિંગને કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર માટે સંપૂર્ણ રીતે કોરોનામાં પરિવર્તિત કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કોરોના મામલે દિવસે ને દિવસે ગુજરાતની પરિસ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 2-3 દિવસથી કોરોનાના રોજ 3000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેને પગલે લોકોમાં ફરી હવે કોરોનાનો ડર ઊભો થયો છે, જેમાં અમદાવાદ અને સુરતમાં તો સૌથી વધુ કેસ આવી રહ્યા છે.
શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ હવે અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શન લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. માત્ર અમદાવાદના જ નહીં, પરંતુ સુરત, રાજકોટ, મહેસાણા સહિતમાંથી લોકો ઈન્જેક્શન લેવા માટે ઝાયડસ આવી પહોંચ્યા છે.