ભરૂચ વાલિયાના તુણા ગામ પાસે ટ્રક અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ગાડીમાં આગ ભભૂકી ઉઠતા પિતા-પુત્રનું મૃત્યુ ભરૂચ: ભરૂચમાં વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.
જિલ્લાના વાલિયા-ડહેલી વચ્ચે તુણા ગામ નજીક એક ટ્રક ચાલકે કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા પિતા-પુત્ર ગંભીર રીતે દાઝી જતા તેમના કરૂણ મૃત્યુ નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ, સુરત જિલ્લાના કોસંબા ખાતે રહેતા કૃપાલસિંહ રાઠોડ પોતાની કારમાં તેમના મિત્ર રાજદીપ ટેલર સાથે વાલિયા તાલુકાના ડહેલી ગામે સાસરીમાં તેમના ચાર વર્ષીય પુત્ર કર્તવ્યસિંહને લેવા માટે આવ્યા હતા. તેઓ તેમના પુત્રને લઇ પરત કોસંબા જવા નીકળ્યા હતા.
આ દરમિયાન તુણા ગામ પાસે એક ટ્રક ચાલકે તેમની કારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર પલટી મારી જતા તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં કારમાં ફસાયેલ કૃપાલસિંહ અને તેમનો ચાર વર્ષીય પુત્ર કર્તવ્યસિંહને બચાવવા માટે તેમના મિત્ર અને સ્થાનિક લોકોએ પ્રયાસ કર્યો હતો.
ભારે જહેમત બાદ ગ્રામજનોએ બન્ને પિતા-પુત્રને બહાર કાઢી વાલિયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ગંભીર રીતે દાઝી જવાના કારણે ફરજ પરના તબીબોએ પિતા-પુત્રને મૃત જાહેર કર્યા હતા. હાલ વાલિયા પોલીસે બન્નેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અક્સ્માત અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમારી સાથે જોડાઓ અને મેળવો દિવસભરના મુખ્ય સમાચારોની અપડેટ્સ સીધી તમારા મોબાઈલ પર
ટેલીગ્રામ માટે QR CODE અથવા આ લિંક પર ક્લિક કરો
YOUTUBE , SHARECHAT , FACEBOOK , TWITTER, INSTAGRAM