जन मन INDIA

About Us

Sudhir Raval

હવે આપની અપેક્ષા

આપની સમક્ષ

જન મન ઈન્ડિયા

અસંખ્ય માધ્યમો વચ્ચે એક અનોખુ નામ..

 ‘પત્રકારત્વ એ રાષ્ટ્રભક્તિનું પ્રગટ સ્વરૂપ છે. વ્યવસાયરૂપે તો તે લોકસેવાનું માધ્યમ બની રહે ત્યાં સુધી જ ઈચ્છનીય છે. ‘જન મન ઈન્ડિયા ’ એ લોકકલ્યાણ અને રાષ્ટ્રસેવાની ભાવના સાથે શરૂ કરાયેલું અત્યંત જવાબદારીપૂર્વકનું અભિયાન છે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો તે એક પ્રોજેક્ટ છે, જે સાચા અર્થમાં પડકારરૂપ સાહસ છે અને વ્યક્તિગત રીતે જોઈએ તો તે પવિત્ર નાગરીક કર્તવ્ય છે.

– સુધીર એસ.રાવલ (એડીટર ઈન ચીફ જન મન ઈન્ડિયા)

લોકશાહીમાં આપણા બંધારણે પત્રકારત્વને મહત્વના આધારસ્તંભનો દરજ્જો આપીને ખૂબ ગંભીર જવાબદારી સોંપેલ છે. જનકલ્યાણની અવિરત યાત્રામાં શાસનતંત્ર અને અન્ય સેવાક્ષેત્રોની માફક આ જ બંધારણે પત્રકારત્વના ક્ષેત્રમાં પણ આદર્શ આચારસંહિતાના અમલનો આગ્રહ સેવ્યો છે. સત્યનું તત્વ નંદવાય નહિં અને જાહેરહિત જોખમાય નહિં, તે ધ્યાને રાખી પ્રથમ રાષ્ટ્ર, ત્યારબાદ રાજ્ય, સમાજ અને છેવટે નાગરીકનું મહત્વ અને હિત બંને જળવાઈ રહે તેવા કર્તવ્યમાર્ગે નિષ્પક્ષ, નિર્ભિક અને નિર્ભેળ સમાચારો કે માહિતી જનસામાન્ય સુધી પહોંચાડવામાં આવે તો સોનામાં સુગંધ ભળી શકે.

જન મન ઈન્ડિયાઆવા જ નિર્ધાર સાથે બદલાતા સમયને અનુરૂપ ડીજીટલ પ્લેટફોર્મ પર લોકસેવા માટે સક્રિય બન્યું છે. વર્તમાન સમય એ માહિતીયુગ છે. આજના સ્પર્ધાત્મક સમયમાં જ્યારે પ્રીન્ટ, ઈલેક્ટ્રોનિક અને વેબ મીડિયા પર માહિતી અને સમાચારો માટે લોકો સમક્ષ અસંખ્ય અવસરો પ્રાપ્ત છે, તેવા યુગમાં વિશ્વસનીય માધ્યમ તરીકે ઉભરવું અને સાતત્ય જાળવવું એ સાચે જ પડકારરૂપ લક્ષ્ય છે. આમ છતાં જન મન ઈન્ડિયાએ સમાજમાં સકારાત્મક વિચારો ધરાવતા મૂલ્યનિષ્ઠ વર્ગના પીઠબળની અપેક્ષા અને શ્રદ્ધા સાથે લોક-અપેક્ષા મુજબ પરિણામલક્ષી કામગીરી કરી બતાવવાની હામ ભીડી છે.

શું છે જન મન ઈન્ડિયા ?

જન મન ઈન્ડિયાએક એવું ઓનલાઈન ન્યૂઝ પોર્ટલ છે, જેમાં તમને આવનારા દિવસોમાં પોર્ટલની પોતાની આગવી શૈલી અને નવતર પ્રયોગો સાથે જનભાગીદારીને સામેલ કરેલા પ્રજાલક્ષી પત્રકાત્વનું પ્રતિબિંબ જોવા મળશે. સમચારોની દુનિયામાં વિશ્વસનિયતાનું એક અદકેરૂ મહત્વ હોય છે. જન મન ઈન્ડિયા માટે વિશ્વસનીયતા એ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પત્રકારત્વ તો જ વિશ્વસનીય બની શકે જો વિચારમાં મૂલ્યનિષ્ઠા હોય, અભિગમમાં સકારાત્મકતા હોય, અવલોકનમાં અભ્યાસ હોય. અભિવ્યક્તિમાં તટસ્થતા હોય અને આચરણમાં નૈતિકતા હોય. જન મન ઈન્ડિયાના કર્મયજ્ઞમા આવા પત્રકારત્વનું પ્રતિબિંબ લોકો ઝીલે તેવી અપેક્ષા છે.

શહેરીજનો હોય કે ગ્રામ્યજનો, પ્રબુદ્ધ નાગરીક હોય કે શ્રમજીવી, યુવાવર્ગ હોય કે સીનીયર સીટીઝન, આ પોર્ટલમાં તમામ વર્ગના લોકોની લાગણી, સમસ્યા, સૂચનો, અભિપ્રાયો કે વિચારોને વાચા મળે તેવો પ્રયત્ન થતો રહેશે. આ ઉદ્દેશ્યને સફળ બનાવવા માટે પોર્ટલના નવતર વિભાગો જ તેને પરિણામલક્ષી બનાવશે. સમય જતાં કુલ મળીને તે લોકોનું, લોકો માટેનું તથા લોકો દ્વારા વિકાસ પામેલા પ્રજાલક્ષી પત્રકારત્વનું ઉદાહરણ હશે.

શા માટે જન મન ઈન્ડિયા અનોખુ છે ?

આ ન્યૂઝ પોર્ટલની તેના વિચારથી લઈને સાકાર સ્વરૂપ સુધીની સફર અનોખી રહેવાની છે, તેના ચોક્કસ કારણો છે. તેના અવનવા વિભાગો તેની વિશિષ્ટતા છે. એક તરફ સંશોધનાત્મક પત્રકારત્વ, પ્રજાભિમુખ નૂતન પહેલો અને તે ઉપરાંત વિચારથી વિચારનું મિલન, ભાવથી ભાવનું મિલન, શબ્દથી શબ્દનું મિલન, સમાજના વિવિધ ક્ષેત્રના તજજ્ઞો અને અગ્રણીઓ સાથેનો અર્થપૂર્ણ પરામર્શ હોય તેવા કાર્યક્રમો પણ તેમાં સામેલ છે, તો બીજી તરફ અવસર આપત્તિનો હોય કે ઉમંગનો, વિષય જનહિતનો હોય કે જનમતનો, ચર્ચા અધિકારની હોય કે કર્તવ્યની, જન મન ઈન્ડિયા પોતાના અભ્યાસ, અવલોકન અને અભિગમ થકી પ્રજાને સ્પર્શતા પ્રત્યેક મહત્વના મુદ્દાઓને ઉજગાર કરવા સંન્નિષ્ઠ પ્રયાસો કરશે.

અવનવા આકર્ષણો

સૌપ્રથમ તો આ ન્યૂઝ પોર્ટલની દિશા કઈ હશે તથા ક્યા માર્ગે આગળ વધશે તેની સ્પષ્ટતા દિવાદાંડીમાં દર્શાવવામાં આવશે. એટલું જ નહી, પોર્ટલમાં સક્રિય પત્રકારોની ટીમે પણ જે આચારસંહિતા પાળવાની છે તેનો પણ ઉલ્લેખ તેમાં હશે. વાચકો અને દર્શકોને પણ ટીમ જન મન ઈન્ડિયા પોતાના માર્ગેથી વિચલીત ન થાય તેની સામે જાગૃતિ દાખવવા વિનંતી કરાશે.

વળી ન્યૂઝ પોર્ટલનો કાયાકલ્પ જે રીતે વિચારાયો છે તેમાં જનભાગીદારીનું વિશેષ મહત્વ ધ્યાને લેવાયું છે. સામાન્ય રીતે એક તરફથી વાત રજુ થતી હોય ત્યારે લોકો પોતાને અળગા અનુભવે તે સ્વાભાવિક છે. જન મન ઈન્ડિયામાં એવા કેટલાંક અવનવા વિભાગો છે, જેમાં લોકોને અભિયાનમાં સામેલ થવા વિવિધ આહ્વાન પણ કરાશે અને તેઓ તરફથી આxવેલા મંતવ્યો, વિચારો, સમસ્યાઓ, સૂચનો કે સમાચારો સુદ્ધાને પોર્ટલ પર સ્થાન આપી ગુજરાતની જનતા સમક્ષ રજુ કરવામાં આવનાર હોઈ, એ સિદ્ધ થશે કે જન મન ઈન્ડિયાની સફળતામાં કેન્દ્ર સ્થાને લોકો જ રહ્યા છે. કેટલાંક મહત્વના વિભાગોમાં ધ ક્વેસ્ટ, ઓન રેકોર્ડ વીથ સુધીર રાવલ, સમરાંગણ, લોકપંચાયત, મોકળું મેદાન તથા જુદા જુદા સર્વેક્ષણો જેવા વિભાગો જન મન ઈન્ડિયા ન્યૂઝ પોર્ટલને સાચા અર્થમાં લોકો માટે પોતીકુ ન્યૂઝ પોર્ટલ બનાવી દેશે.

ઘ ક્વેસ્ટ

સમાજજીવનની સમસ્યાઓ, અગત્યની ઘટનાઓ, સમાજકારણ, રાજનીતિ કે વહિવટીતંત્રની પ્રજાલક્ષી બાબતો પર અભ્યાસપૂર્વક નિષ્પક્ષ, નિર્ભિક અને નિર્ભેળ દ્દષ્ટ્રિકોણ રજૂ કરવાનો પ્રયાસ નિયમિતરૂપે અહી થશે. 

ઓન રેકોર્ડ વીથ સુધીર રાવલ

વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને તજજ્ઞો સાથેનો વિવિધ વિષયો પર અર્થપૂર્ણ પરામર્શ એ જન મન ઈન્ડિયાનું આભૂષણ રહેશે.

સમરાંગણ

અહિંયા સમરાંગણ એ વિચારોનું સમરાંગણ રજૂ કરવાનો પ્રયત્ન છે. જુદા જુદા વિષયો, પ્રશ્નો, મુદ્દાઓ પર અગ્રણીઓના મત-મતાંતર હોય તે સ્વાભાવિક છે. આમ છતાં લોકશાહી સૌના વિચારો, મંતવ્યો અને દ્દષ્ટ્રિકોણને સન્માન આપવા પ્રેરે છે. સમરાંગણમાં થનારી ચર્ચા એ આ સિદ્ધાંતને ધ્યાને રાખી વિચાર વિમર્શનો નિષ્કર્ષ પ્રજા સમક્ષ મૂકવા પ્રમાણિક પ્રયત્ન કરશે. 

મોકળુ મેદાન

આ વિભાગ સંપૂર્ણતઃ નાગરીકો માટે છે. પોતાના વિચારો, સૂચનો કૃતિઓ, લેખો કે કવિતાઓ માટે તેઓ નિર્ધારીત અક્ષર મર્યાદામાં પોતાની કલમ ઉઠાવી શકે છે. લખાણ વિવેકસભર જરૂરી છે. 

લોકપંચાયત

આ વિભાગ પ્રજાના પ્રશ્નો માટે છે, વિસ્તારવાર પ્રજા અને તેના પ્રતિનિધિ વચ્ચેનો સંવાદ એટલે લોકપંચાયત. આ વિભાગમાં પ્રજાના પ્રતિનિધિઓએ  કરેલા વિકાસના કાર્યોની પણ નોંધ લેવાશે. 

માહિતીખાનુ

જાહેરજીવનમાં કેટલીક સંવેદનશીલ માહિતીઓ વહિવટીતંત્રને પહોચાડવામાં પ્રજા ઉપયોગી થાય છે. કેટલીક વાર ગુપ્તતા જરૂરી હોય છે. આ વિભાગમાં નાગરીકો ગુપ્ત માહિતી મોકલી શકે છે. 

સ્વપ્ન, સંકલ્પ અને સિદ્ધિ સુધીની સફર..

આપણા બંધારણના ઘડવૈયાઓએ ઉત્તમ લોકશાહીની કલ્પના કરેલી ત્યારે દેશની પ્રજાને પણ ઉત્તમ કક્ષામાં કલ્પેલી. શાસન વ્યવસ્થા ગમે તે હોય, દરેકને પોતાની ખૂબીઓ સાથે કેટલીક મર્યાદાઓ પણ હોય જ છે. જે તે સમયે આપણી ઘણીખરી પ્રજા મહદ્દ અંશે નિરક્ષર, ગરીબ કે અન્ય કારણોસર પછાત હતી. એ સૌના ઉત્કર્ષ માટેના ઉપાયો પણ વિચારાયા હતા. આમ છતાં સાત દાયકા પછીનું આપણું સરવૈયુ તપાસતા જણાય છે કે આપણે નિર્ધારીત પરિણામો પ્રાપ્ત કરી શક્યા નથી. આપણે ત્યાં અમીર-ગરીબની ખાઈ ઉંડી થતી ગઈ છે. ભ્રષ્ટાચાર, બેરોજગારી, કોમવાદ, જાતિવાદ, પ્રાંતવાદ, ગુનાખોરી જેવી સમસ્યાઓમાંથી દેશ પૂર્ણતઃ બહાર આવી શક્યો નથી. જાહેરજીવનમાં નૈતિક મૂલ્યોનું મહત્વ, આચારસંહિતા કે વિચારધારી બાબત ઉત્કૃષ્ઠ રહેવાને બદલે સ્વાર્થ અને તકવાદના રાજકારણે સમગ્ર રાષ્ટ્રને એવો ભરડો લઈ લીધેલો છે કે પ્રજા તરીકે આપણે પણ આ વિષયચક્રમાં જાણે મને-કમને સામેલ થઈ ગયા છીએ, જાણે બધુ બરાબર ચાલી રહ્યું છે!

આવું એટલા માટે થયું કે સમાજના લગભગ પ્રત્યેક વર્ગના લોકો નાગરીક કર્તવ્ય તરીકે પોત-પોતાની ભૂમિકા ભજવવામાં નિષ્ફળ રહ્યા છે. જાહેરજીવનમાં આદર્શો કે સિદ્ધાંતોનો આગ્રહ રહ્યો નથી. જન મન ઈન્ડિયા આ પરિસ્થિતિ વચ્ચે વિવિધ પ્રયત્નો થકી ભલે તે સમુદ્રમાં એક બિંદુ સમાન હોય, પરંતુ તે પોતાના પત્રકારત્વના પવિત્ર કર્તવ્યને નિભાવી રાષ્ટ્રસેવાનો સંતોષ મેળવવા ધારે છે. આ પડકારરૂપ સ્વપ્નને સાકાર કરવા માટે ગામડે-ગામડે સુધી જાગૃતિની એક લહેર ફરી વળે તે જરૂરી છે અને તે માટે નિષ્ઠાવાન પત્રકારો અને માહિતી આપનારાઓનું ચૂસ્ત નેટવર્ક સ્થાપવાની દિશામાં જન મન ઈન્ડિયા સક્રિય છે. જનસામાન્ય અને શાસનતંત્ર વચ્ચેની ખૂટતી કડી બનવાં માટેનો જન મન ઈન્ડિયાનો આ પ્રયાસ ભગીરથ અને સાચા અર્થમાં લોકોની અપેક્ષા લોકો સમક્ષ મુકાવાની એક પહેલ સમાન બની રહેશે, તે નિશંક છે.

જન જન સુધી પહોંચશે જન મન ઈન્ડિયા

જન મન ઈન્ડિયા સંગીન આયોજન અને ચુસ્ત અમલીકરણ સાથે ગુજરાતના ગામડે-ગામડે તેનું અભિયાન પહોંચાડવા તૈયાર બની ચૂક્યુ છે. સમાજના વિવિધ વર્ગો, યુવાનો, મહિલાઓ, રાજનેતાઓ, સામાજીક આગેવાનો, ધર્મગુરૂઓ, સનદી અધિકારીઓ, મીડિયાકર્મીઓ, વ્યાપારીઓ, રમતવીરો, કલાકારો, ઈતિહાસકારો, સાહિત્યકારો, વિજ્ઞાનીઓ, પ્રોફેશનલ્સ, કોર્પોરેટ જગત, સ્વૈચ્છિક સંસ્થાઓ અને વિવિધ ક્ષેત્રના વ્યક્તિ વિશેષોથી માંડી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી જવાની યોજના એ જ જન મન ઈન્ડિયાને સબળ, અસરકારક અને પ્રભાવશાળી માધ્યમ તરીકે પૂરવાર થવાનું પ્રોત્સાહન પુરૂ પાડે છે.

આજના ઈન્ટરનેટ યુગમાં હજારો, લાખ્ખો અને કરોડોની સંખ્યામાં ગણતરીની મીનીટોમાં માહિતી પહોંચાડી દેવા માટે દુનિયાભરમાં સબળ બની ચૂકેલા ફેસબુક, ટ્વીટર, યુ-ટ્યુબ, ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ, સહિતના સોશિયલ મીડિયાના માધ્યમોનો જન મન ઈન્ડિયા વ્યૂહાત્મક અને સકારાત્મક સદ્દઉપયોગ કરનાર છે. ચોક્કસ લક્ષ્યાંક સાથે યુ-ટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબર્સ, ફેસબુક અને ટ્વીટર પરના ફોલોઅર્સ સાથે સતત સંપર્ક અને માહિતીની આપ-લે એ જન મન ઈન્ડિયાની રણનીતિનો એક ભાગ છે.

કર્મઠ ટીમની કાર્યસંસ્કૃતિ

કોઈ પણ કાર્ય જે એક અભિયાન સમુ હોય તેને તેના હેતુ સુધી જો સફળ બનાવવું હોય તો તે અભિયાનની સાથે જોડાયેલા કર્મયોગીઓ અને તેની કાર્યસંસ્કૃતિ અત્યંત મહત્વ ધરાવે છે. જન મન ઈન્ડિયામાં કોઈ લખવા સાથે જોડાયેલા હશે તો કોઈ નિર્માણ કાર્ય સાથે જોડાયેલા હશે.. કોઈ માહિતીની આપ-લે સાથે જોડાયેલા હશે તો કોઈ લોકસંપર્કમાં સક્રિય હશે. ઈન્ફોર્મેશન, કન્ટેન્ટ ક્રિએશન, પ્રોડક્શન, પ્રમોશન, માર્કેટીંગ, એડમીનીસ્ટ્રેશન કે અન્ય કોઈ પણ સ્તરે સામેલ અને સક્રિય હોય તવા જન મન ઈન્ડિયાના સૌ કોઈ કર્મયોગી ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા માટે સદૈવ પ્રમાણિકતાપૂર્વક પોતાની જવાબદારી નિભાવશે. શિસ્ત, સંયમ, વિવેક, પુરૂષાર્થ, ઈમાનદારી, સમજદારી અને સંવેદનશીલતા જેવા ગુણો તે ટીમ ઈન્ડિયાની કાર્યસંસ્કૃતિ રહેશે.

અનુભવી પત્રકારનું દિશાદર્શન

જન મન ઈન્ડિયાપ્રોજેક્ટના પોતાના સ્વપ્નને સાકાર કરવાનું જેમણે બીડુ ઝડપ્યું છે, તેવા સુધીર શાંતિલાલ રાવલ પત્રકારત્વ ક્ષેત્રે છેલ્લા પચ્ચીસ કરતા વધુ વર્ષોથી પ્રવૃત છે. વાંચન, લેખન, સંશોધન અને સર્જનમાં રૂચિ ધરાવતા આ કર્મનિષ્ઠ પત્રકારે તેઓની સુદીર્ઘ કારકીર્દી દરમ્યાન ભારતીય લોકતંત્ર અને સંસદીય બાબતો પર અભ્યાસ કર્યો છે. પ્રીન્ટ મીડિયામાં કોલમ લેખક તરીકે તેઓ જાણીતા છે. તેમની કલમમાં નિર્ભયતા, સત્યતા, અને તટસ્થતા જોવા મળે છે. ઈલેક્ટ્રોનિક મીડિયા ક્ષેત્રે ગુજરાતની સુવિખ્યાત ટીવી ચેનલોમાં ગોષ્ઠિ ’, ‘ઓફ ધ રેકોર્ડ વીથ સુધીર રાવલજેવા સફળ કાર્યક્રમો આપીને વિવિધ ક્ષેત્રના ધૂરંધરોના ઈન્ટરવ્યૂ લઈને દર્શકોની અપાર ચાહના તથા આદર પ્રાપ્ત કર્યા છે અને સમરાંગણ કાર્યક્રમ દ્વારા જીલ્લે જીલ્લે ફરી અનેક પ્રકારની લોકસમસ્યાઓને ઉજાગર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. એટલું જ નહિં, સંશોધનાત્મક પત્રકારત્વ દ્વારા વહિવટીતંત્રની ઉણપો સામે મજબૂત અવાજ ઉઠાવ્યો છે. પોતે એક રાજકીય વિશ્લેષક છે અને પોતાના કાર્યોમાં આગવી સૂઝ, મક્કમતા અને પરિવર્તનકારી અભિગમ ધરાવે છે. અવલોકન, અભ્યાસ અને અનુભવના ત્રિવેણીસંગમ થકી હવે તેઓ લોકોની અપેક્ષા પ્રમાણેના એક સમાચાર માધ્યમ એવા જન મન ઈન્ડિયાને લોકો સમક્ષ રજૂ કરી રહ્યા છે,

અને અંતમાં

આ ન્યૂઝ પોર્ટલ જ્યારે સાચા અર્થમાં લોકોનું, લોકો માટેનું અને લોકો દ્વારા વિકાસ પામેલા પ્રજાલક્ષી પત્રકારત્વનાં પ્રતિબિંબ સમાન બની જશે ત્યારે ટીમ જન મન ઈન્ડિયાને પરમ સંતોષ થશે. શ્રદ્ધાપૂર્વકની આશા છે કે આપ સૌનું જન મન ઈન્ડિયાને સદૈવ પીઠબળ પ્રાપ્ત થશે.