આમ આદમી પાર્ટી છોડ્યા પછી મહેશ સવાણીને સુરત ખાતે શહેર કોર્પોરેશનના સભ્યો મળવા પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીની કોર્પોરેટર ટીમે મહેશ સવાણીની મુલાકાત લીધી હતી. આમ આદમી પાર્ટી સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડિયા તેમજ સુરત મહાનગરપાલિકાનાં વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીનાં નેતૃત્વમાં કોર્પોરેટરો મુલાકાત કરી હતી.
મહેશ સવાણીની વેસુ ખાતેની ઓફિસે કાર્યકર્તાઓ તેમને મનાવવા માટે મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટી ન છોડવા માટે રજૂઆત કરી હતી. સૌ સાથે મળીને પરિવર્તનની લડાઈ લડવાની હાંકલ કરવા માટે આમ આદમી પાર્ટી કાર્યકર્તા ટીમ મહેશ સવાણીને મળી હતી.
આ સમયે એક કોર્પોરેટર તો તેમના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા આજીજી કરી હતી. આ દરમિયાન કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીના પગે પડ્યા તો કેટલાકે ઉપવાસની ધમકી આપી હતી. જ્યારે કેટલાક કાર્યકર્તાઓ મહેશ સવાણીની ઓફિસ બહાર જ બેસી ગયા હતા.
તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીને છોડતા મહેશ સવાણીએ જણાવ્યું કે, હું રાજનીતિનો નહીં પણ સેવાનો માણસ છું, મને કોઈ હોદ્દાનો મોહ નથી. હવે હું સેવા સાથે જ જોડાઈશ. તેમણે ઉમેર્યું કે, રાજકારણ એ સેવા માટે છે, પણ હવે લોકો હોદ્દા માટે મથે છે.