ગીર સોમનાથ જિલ્લામાં 90-સોમનાથ વિધાનસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીમાંથી જગમાલ વાળાનું નામ જાહેર થતા આપના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી હતી .
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે મજબૂતાઇથી આગળ વધી રહી છે અને સૌરાષ્ટ્રમાં પ્રથમ યાદી જાહેર કરેલ છે. જેમા સૌરાષ્ટ્રમાં સૌથી મહત્વની બેઠક ગણાતી સોમનાથ વિધાનસભાની બેઠક પરથી આહીર સમાજના અગ્રણી જગમાલ વાળાની પસંદગી કરવામાં આવી છે.
આ સમાચાર મળતાની સાથે સમગ્ર જિલ્લામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી જોવા મળી છે અને જગમાલ વાળાના કાર્યાલય પર હજારોની જનમેદની ઉમટી પડી હતી. કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાની આતશબાજી અને દરેકના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા.
આ તકે જગમાલ વાળાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, ઇસુદાન ગઢવી, ગુલાબસિહ યાદવનો આભાર વ્યક્ત કર્યો હતો અને સોમનાથ વિધાનસભાની બેઠક પર આમ આદમી પાર્ટી જંગી બહુમતીથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો1 હતો અને આ સાથે સોમનાથ વિધાનસભામાં ત્રીપાંખીયો જંગ ખેલાશે અને સૌ પ્રથમ જ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરતા રાજકારણ ગરમાયુ છે.
રિપોર્ટઃ મિતેશ પરમાર, ગીર સોમનાથ