તા-12-01-2022 ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિતે તેમના તૈલચિત્ર સમક્ષ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આર્ષ દ્રષ્ટા યુગપુરુષ સ્વામી વિવેકાનંદના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવ વંદના કરી હતી.
વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્યએ પુષ્પાંજલિ અર્પણ કરતા કહ્યું હતું કે, ત્યાગ, જ્ઞાન, સમર્પણ અને સેવાના પર્યાય સમા દેશભક્ત સ્વામી વિવેકાનંદે ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં અતુલ્ય યોગદાન આપ્યું છે. ભારતના સપૂત સ્વામી વિવેકાનંદે તા.11મી સપ્ટેમ્બર 1893ના રોજ શિકાગોની ધર્મપરિષદમાં ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું અને સમગ્ર વિશ્વના વીરનાયક સંન્યાસી બન્યા.
અધ્યક્ષ નિમાબેને ઉમેર્યું કે, ડિસેમ્બર 1886માં તેમણે રામકૃષ્ણ મઠની સ્થાપના કરી. ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શને સામે રાખીને ‘આત્મનો મોક્ષાર્થ જગત્ હિતાય ચ’ના મુદ્રાલેખ સાથે લોકકલ્યાણ માટે તેમણે તા. 1લી મે 1897ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી. સ્વામી વિવેકાનંદ કહેતા કે, ‘‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ત્યાગ, સેવા અને સમર્પણ એ ભારતના આદર્શો છે. ભારતીયોમાં આ આદર્શો દઢીભૂત કરશો તો બાકીનું બીજું બધું આપોઆપ થઈ રહેશે.’’ સ્વામી વિવેકાનંદ યુવાનોને આહ્વાન કરતાં કે, યુવાનો જાગો, ઊઠો અને ધ્યેયપ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમનું આ ધ્યેય મંત્ર આજે પણ યુવાનોને સતત પ્રેરણા આપે છે.
રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ, મહેસુલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી, કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી નિમિષાબેન સુથાર, સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા, મહિલા અને બાળ કલ્યાણ રાજ્ય મંત્રી મનીષાબેન વકીલ, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડિંડોર, પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલા, કૃષિ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પશુપાલન રાજ્ય મંત્રી દેવાભાઈ માલમ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા ઉપરાંત પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યઓ, તેમજ વિધાનસભા સચિવાલયના અધિકારી-કર્મચારીઓએ પણ ઉપસ્થિત રહી સ્વામી વિવેકાનંદને ભાવાંજલિ આપી હતી.