જૂનાગઢ: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માણેકવાડા માલબાપા મંદિરે શ્રીમાલબાપા નાગદેવતાની પુનઃમૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા શિવજી મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
જેમાં હવન યજ્ઞ, લોક ડાયરા સહિતના કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો હાજર રહ્યા હતા, જેમણે કાર્યક્રમનો લ્હાવો માણ્યો હતો.
મળતી માહિતી મુજબ, કેશોદ તાલુકાના માણેકવાડા ગામે આવેલ માલબાપાનું મંદિર સૌરાષ્ટ્ર ભરમાં સુપ્રસિદ્ધ છે. અસંખ્ય શ્રદ્ધાળુઓ અહીં દર વર્ષે દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે માલબાપા મંદિર ટ્રસ્ટ તથા માણેકવાડા ગામ સમસ્ત આયોજીત શ્રીમાલબાપા નાગદેવતાની પુનઃ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા તથા શીવજી મંદિરના જીર્ણોદ્ધાર નિમીતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. તેમજ ભક્તોએ ભોજન પ્રસાદી, લોક ડાયરાનો પણ લાભ લીધો હતો. લોક ડાયરામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં કલાકારો ઉપર રૂપિયાનો વરસાદ પણ થયો હતો.