ગુજરાત સરકારે તૌકતે વાવાઝોડા દરમિયાન દરિયાઇ વિસ્તારોમાં ભારે પવનના કારણે માછીમારોને થયેલા નુકસાન માટે સહાયની જાહેરાત કરી છે. ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ સંબોધીને આ અંગેની જાહેરાત કરી હતી.
વાવાઝોડામાં ચાર નાની બોટ અને 46 મોટી બોટને નુકસાન થયું હતુ. નુકસાન થયેલી બોટ માટે નુકસાની સહાય તેમજ નવી વસાવવા માટે 5 લાખ સુધીની લોન અને વ્યાજ સહાયની જાહેરાત કરાઇ હતી. મળતી માહિતી મુજબ, તૌકતે વાવાઝોડામાં બોટ અને સાધનસામગ્રીને મોટું નુકસાન થયું હતું.
ઘણા સમયથી માછીમારો નુકસાન સહાયની રહી જોઈ રહ્યા હતા. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય સરકારના પ્રવક્તા રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ કરી ચોમાસાના દિવસોમાં વાવાઝોડા દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં ભારે પવન ફુંકાતા તેમજ માછીમારોને થયેલા નુકસાન માટે સહાય જાહેર કરી છે.
ગુજરાતમાં કુલ 29716 બોટ છે. 4 નાની બોટ અને 46 મોટી બોટને નુકસાન થયું છે. માછીમારોને 35 હજાર સુધીની સહાય મળશે. સંપૂર્ણ નુકસાન થયેલ હોય તેવી નાની બોટને 75 હજાર સુધીની સહાય મળશે. તો 5 લાખની લોન પર 10 ટકા વ્યાજ સહાય આપવામાં આવશે. નવા બંદરે 37 બોટને નુકસાન થયું હતું. રાજ્ય સરકાર તરફથી માછીમારોને થયેલ નુકસાન અંગેની સહાય જાહેર કરાતા માછીમારોને મોટી રાહત થઈ છે.