ઇંગ્લેન્ડઃ કોરોના સંકટ વચ્ચે યુકેના નોર્થ વેલ્સમાં મંકીપોક્સના 2 કેસ સામે નોંધાયા છે. આ અંગેની જાણકારી નોર્થ વેલ્સના આરોગ્ય અધિકારીઓએ આપી છે. તેમણે જણાવ્યું છે કે, એક જ પરિવારના 2 સભ્યોને આ રોગ થયો છે. આને કારણે બંને દર્દીઓને શરીરમાં ફોલ્લીઓ, ખંજવાળ, તાવ અને દુખાવાની સમસ્યા થઈ છે.
આ બંને દર્દીઓ પર વેલ્સ અને ઇંગ્લેંડ બંનેના જાહેર આરોગ્ય (Public health) વિભાગ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ દરમિયાન પબ્લિક હેલ્થ વેલ્સના હેલ્થ સેફ્ટી એડવાઇઝર, રિચાર્ડ ફિર્થે કહ્યું છે કે, ‘યુકેમાં મંકીપોક્સના 2 કેસની પુષ્ટિ થવી દુર્લભ ઘટના છે. આનાથી લોકોને થોડો ભય છે. અમે ઘણી એજન્સીઓની સાથે કામ કરીને બધા પ્રોટોકોલ અને પ્રક્રિયા હેઠળ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરી છે. આ સંક્રમણ બીજા લોકોમાં ન ફેલાય તે માટે અમે તમામ રક્ષણાત્મક પગલાં ઉઠાવી રહ્યા છીએ.’
શું છે મંકીપોક્સ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના જણાવ્યા મુજબ, મંકીપોક્સ વાયરસને કારણે થતી એક એવી બીમારી છે, જેના લક્ષણ સ્મોલ પોક્સ જેવા હોય છે, પરંતુ તેને કરતા ઓછા ગંભીર હોય છે. આ બીમારીના સામાન્ય લક્ષણો તાવ આવવો, શરીરમાં ફોલ્લીઓ થવી છે.
મોટે ભાગે આ રોગ ઉંદર અને વાંદરા જેવા જંગલી પ્રાણીઓ દ્વારા માણસોમાં ફેલાય છે. આ સિવાય તે એક વ્યક્તિથી બીજામાં પણ ફેલાય છે. આ રોગથી પીડિત 100 દર્દીઓમાંથી 10 મૃત્યુ પામે તેવી સંભાવના છે.