ગીર સોમનાથના વડામથક વેરાવળમાં ખારવા સમાજની વાડી ખાતે અખિલ ગુજરાત માછીમાર મહામંડળની મહત્વની મિટીંગ પ્રમુખ કિશોર કુહાડાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી .
ગુજરાતનો 1600 કિમીમાં વસવાટ કરતો માછીમાર સમાજ છેલ્લા 3 વર્ષથી પાયમાલ થતો જોવા મળે છે, છેલ્લા 3 વર્ષમાં કોરોનાકાળ, વાવાઝોડાની અસર અને વધતા જતા ડીઝલના ભાવ તેમજ એક્સપોર્ટ થતી માછલીઓમાં રોકાયેલ પેમેન્ટ સહિત અનેક મુદ્દાઓથી દેશને કરોડો રુપિયાનું વિદેશી હુડીયામણ આપતો માછીમાર સમાજ સરકાર પાસે અપેક્ષાઓ રાખીને બેઠો છે, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોર કુહાડા જે ગુજરાત મેરીટાઇમ બોર્ડના પૂર્વ ડાયરેક્ટર તેમજ ખારવા માછીમાર સમાજના અગ્રણી પણ છે જેમના દ્વારા ગુજરાતના પ્રતિનિધિમંડળને લઈ સરકારના મત્સ્યોધોગ ખાતાના મંત્રીઓ, મુખ્યમંત્રી અને વડાપ્રધાનને અનેક વખત લેખિત તથા મૌખિકમાં રજૂઆત કરાઇ છે, તેમ છતાં માત્ર સમય જ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતનો 90% ખારવા સમાજ ભાજપ સાથે જોડાયેલ છે. ચૂંટણીઓમાં પણ તન, મન અને ધનથી સરકારની મદદ કરે છે, તેમ છતાં પણ તેમના કામ કરવામાં સરકાર નિષ્ક્રિય સાબિત થયેલ છે .
આજરોજ મિટીંગમાં આ મુદ્દે કરાઈ ચર્ચા
1) કોરોનાકાળમાં માછીમારને થયેલ નુકસાન બાબત
2) ભારે વરસાદથી દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના માછીમારને ખૂબજ નુકસાન થયેલ બાબત
3) બોટમાલિક દ્રારા અપાયેલ માછલીઓનું પેમેન્ટ યોગ્ય સમય મળે તે બાબત
4) ગુજરાત સરકાર દ્વારા છેલ્લા 5 વર્ષથી માછીમારને જે યોજનાઓ મળતી હતી તે બંધ કરી દીધેલ તે બાબત
5) ટૂંકા સમયમા ગુજરાતનું માછીમારનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર તથા ઉચ્ચકક્ષાએ જશે તે બાબત
આ સહિતના અનેક મુદાઓ જેમા ડીઝલના વધતા ભાવો, સમયસર ન મળતી સબસિડીની રકમ, એક્સપોર્ટમાં સમસ્યાઓ સહિતના મુદાઓ બાબતે મિટીંગમાં ચર્ચાઓ કરવામા આવી હતી અને આ મિટીંગમાં માછીમારો આકરા મિજાજમાં જોવા મળ્યા હતા. જો આવનારા સમયમા માછીમારના પડતર પ્રશ્રનોનો નિકાલ નહીં કરવામા આવે તો માછીમારો કોઇપણ પગલા લેતા અચકાશે નહી તેવી ચીમકી પણ ઉચ્ચારેલ હતી.
રિપોર્ટઃ મિતેશ પરમાર, વેરાવળ