ભરૂચ: રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અંકલેશ્વરના નોબલ માર્કેટ સ્થિત પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
મળતી માહિતી મુજબ, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઇવે ૪૮ને અડીને આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનોમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે.
ત્યારે વધુ એક પ્લાસ્ટિકના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
આગે વિકારણ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગની ગંભીરતાને કારણે ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
અવાર નવાર બનતી આગની ઘટનાઓને લઈ તંત્રએ પણ ચોક્કસ દિશાઓમાં તપાસ કરવાની જરૂર છે. કારણકે થોડા દિવસો અગાઉ પણ રેલવે ટ્રેક પાસેના એક ગોડાઉનમાં ભીષણ આગ લાગતા એક સમયે ટ્રેન વ્યવહાર ઉપર પણ તેની સીધી અસર જોવા મળી હતી. ત્યારે વધુ એક આગ ની ઘટના સામે આવ્યા બાદ મામલે ચોક્કસ દિશામાં તપાસ થાય તેમ જાગૃત નાગરિકોમાં ચર્ચાઇ રહ્યું છે.