વડોદરા: વડોદરામાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીમાં ઘોડાપૂર આવતા મગરો રહેણાંક વિસ્તારોમાં રસ્તા પર ઘણીવાર નજરે પડતા હોય છે. આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે.
જોકે, હાલ હજી વડોદરા સહિત રાજ્યમાં ચોમાસું બેઠુ નથી તે પહેલા જ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના રાજલી ગામે મગર જોવા મળ્યો હોવાની ઘટના સામે આવી છે.
ડભોઇના રાજલી ગામે તળાવમાં મગર હોવાની જાણ થતા સ્થાનિક લોકોએ આ અંગે ડભોઇ વનવિભાગને જાણ કરી હતી. જેના પગલે વન વિભાગ દ્વારા સ્થાનિક સેવાકીય ટ્રસ્ટના યુવાનોને સાથે રાખી મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી, વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યું કરવામાં સફળતા મેળવી હતી.
મગર પકડાતા સ્થાનિક ગ્રામજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો. જોકે ગ્રામજનોના જણાવ્યા મુજબ અન્ય મગર પણ તળાવમાં હોવાથી વન વિભાગ દ્વારા હાલ પાંજરા મૂકી તમામ મગરનું રેસ્ક્યુ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.