સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના દુદાપુર ગામમાં મંગળવારના રોજ ખુલ્લા બોરવેલમાં પડેલા એક નાના બાળકને સ્થાનિકો અને રેસ્ક્યૂ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યો છે. રેસ્ક્યૂ ટીમ અને લોકો દ્વારા સૂઝબૂઝથી બાળકને બચાવી લેવામાં આવ્યો છે.
રમતા-રમતા ખુલ્લા બોરમાં પડી ગયું બાળક
દુદાપુર ગામે ખેત મજૂરનો ત્રણ વર્ષનો બાળક શિવમ રમતા-રમતા ખુલ્લા બોરમાં પડી ગયો હતો. બોર 100 ફૂટ ઊંડો હતો. 3 વર્ષનો બાળક બોરવેલમાં પડી 20 ફૂટે રોકાઈ ગયો હતો. ગ્રામજનોને બોરવેલમાંથી બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો અને તેઓ સ્થળ પર દોડી ગયા હતા. આ અંગેની જાણ થતા ફાયર ટીમ સહિત મામલતદાર, કલેક્ટર તેમજ દુદાપુર ગામના આસપાસના ગામના લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક ફાયરની ટીમે બાળકને બચાવવા કામગીરી આરંભી દીધી હતી.
રેસ્ક્યૂ ટીમ અને ગ્રામજનોને બાળકને બચાવવામાં મળી સફળતા
ગ્રામજનોએ બોરવેલની અંદર પાણી અને ખોરાક પહોંચતો કર્યો હતો. જે બાદ મહામહેનતે બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. બાળકને બચાવવા માટે અમદાવાદથી ફાયર બ્રિગેડની ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી હતી. પણ તે પહેલા જ સ્થાનિક રેસ્ક્યૂ ટીમ અને ગ્રામજનોને બાળકને બચાવવામાં સફળતા મળી હતી. બોરવેલમાંથી બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.