ટ્રિપ પ્લાન કરતી વખતે, લોકોનું સૌથી મોટું ટેન્શન એ હોય છે કે તેનો ખર્ચ કેટલો થશે. જે લોકો બજેટ ટ્રાવેલ કરવા માગે છે તેમને આવી સમસ્યાઓનો ઘણો સામનો કરવો પડે છે. બજેટ ટ્રાવેલમાં ઘણીવાર કોઈ જગ્યાએ ખર્ચો વધી જાય છે. એવામાં આજે તમને ભારતના એવા સ્થળો વિશે જણાવીશું કે જ્યાં તમે મફતમાં રહી શકો છો.
તો જો તમે પણ બજેટ ટ્રાવેલ કરવા ઈચ્છો છો અને રોકાવામાં વધારે પૈસા ખર્ચવા માંગતા નથી તો અમે તમને એવી જ કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં તમે મફતમાં રહી શકો છો અને તમારી આખી સફરનો આનંદ માણી શકો છો. ભારતમાં એવી ઘણી ધર્મશાળાઓ અને આશ્રમો છે જ્યાં તમારે રહેવા માટે જરા પણ ખર્ચો કરવાની જરૂર નથી. તો ચાલો જાણીએ એ જગ્યાઓ વિશે કે જ્યાં તમે ફ્રીમાં રહી શકો છો.
ઈશા ફાઉન્ડેશન- ઈશા ફાઉન્ડેશન કોઈમ્બતુરથી લગભગ 40 કિમી દૂર સ્થિત છે. આ સદગુરુનું ધાર્મિક કેન્દ્ર છે, જ્યાં આદિયોગી શિવની ખૂબ જ સુંદર અને મોટી પ્રતિમા પણ છે. આ કેન્દ્ર યોગ, પર્યાવરણ અને સામાજિક કાર્ય ક્ષેત્રે કામ કરે છે. જો તમે ઈચ્છો તો તમે પણ અહીં યોગદાન આપી શકો છો. અહીં તમે મફતમાં રહી શકો છો.
મણિકરણ સાહિબ ગુરુદ્વારા (હિમાચલ પ્રદેશ) – જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જઈ રહ્યા છો, તો તમે મણિકરણ સાહિબ ગુરુદ્વારામાં મફતમાં રહી શકો છો. અહીં તમને ફ્રી પાર્કિંગ અને ફૂડ ફેસિલિટી પણ મળે છે. મણિકરણ સાહિબ ગુરુદ્વારા પાર્વતી નદી પાસે આવેલું છે.
આનંદાશ્રમ (કેરળ)- કેરળની સુંદર પહાડીઓ અને હરિયાળી વચ્ચે આનંદાશ્રમમાં રહેવું એક અલગ અનુભવ સાબિત થઈ શકે છે. તમે આ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો. આશ્રમમાં તમને દિવસમાં ત્રણ વખત ભોજન પણ આપવામાં આવે છે, જે બહુ ઓછા મસાલા સાથે તૈયાર કરવામાં આવે છે.
ગીતા ભવન (ઋષિકેશ) – પવિત્ર ગંગા નદીના કિનારે આવેલા ગીતા ભવનમાં પ્રવાસીઓ વિનામૂલ્યે રહી શકે છે. આ સાથે અહીં તમને મફતમાં ભોજન પણ આપવામાં આવે છે. આ આશ્રમમાં લગભગ 1000 રૂમ છે જ્યાં દુનિયાભરમાંથી લોકો આવે છે અને રહે છે. આશ્રમ દ્વારા સત્સંગ અને યોગના સેશન્સ પણ આપવામાં આવે છે.
ગોવિંદ ઘાટ ગુરુદ્વારા (ઉત્તરાખંડ)- આ ગુરુદ્વારા ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદી પાસે આવેલું છે. અહીં આવનારા પ્રવાસીઓ, ટ્રેકર્સ અને શ્રદ્ધાળુઓ અહીં ફ્રીમાં રહી શકે છે. ગુરુદ્વારામાંથી તમે પર્વતોના સુંદર નજારા જોઈ શકો છો.
નિંગમાપા મઠ (હિમાચલ પ્રદેશ) – આ મઠ હિમાચલ પ્રદેશના રેવલસર શહેરમાં રેવલસર તળાવની નજીક આવેલો છે. આ સુંદર મઠમાં રહેવાનું એક દિવસનું ભાડું 200 થી 300 રૂપિયા છે. આ મઠની નજીક એક સ્થાનિક બજાર પણ છે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો.
તિબેટિયન બૌદ્ધ મઠ સારનાથ- ઉત્તર પ્રદેશમાં સ્થિત આ ઐતિહાસિક મઠમાં એક રાત્રિ રોકાણનું ભાડું માત્ર 50 રૂપિયા છે. આ મઠનું સંચાલન લાધન ચોત્રુલ મોનાલમ ચેનામો ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ મઠમાં ભગવાન બુદ્ધના સ્વરૂપ શાક્યમુનીની પ્રતિમા છે.