ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં ચાલતા શ્રાવણીયા જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. તાલુકા પોલીસની ટીમે દરોડો પાડી 6 શખ્સોને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વિગત વાર વાત કરીએ તો ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં આવેલી B-25 નંબરની દુકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી તાલુકાના પોલીસને મળતા સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે ભાજપ ગ્રામ્યના હોદ્દેદાર તથા તાલુકા પંચાયતના સભ્ય સહિત છ શખ્સોને રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
જે બાદ પોલીસે આ 6 શખ્સોને ઝડપી લઇ રોકડ રુપિયા 57,610, 4 મોબાઇલ કિંમત રુપિયા 20,000 તથા બે કાર કિંમત રુપિયા 10 લાખ એમ કુલ મળી 10.77 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવ્યા હતા. આ તરફ માર્કેટિંગ યાર્ડમાં ચાલતા જુગારધામ પર થયેલા દરોડામાં તાલુકા પંચાયતના સભ્ય તથા ગ્રામ્ય ભાજપના ઉપપ્રુમખ જુગાર રમતા ઝડપાયા ગયેલા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતાં માર્કેટિંગ યાર્ડના ડાયરેક્ટરો સહિત ભાજપના હોદ્દેદારો પોલીસ સ્ટેશન ખાતે આવી બધુ સંકેલવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ પોલીસે તમામ છ જુગારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
જોકે, તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે તથા પીઆઇ દ્વારા થોડી જ કલાકોમાં તમામને જામીન મુક્ત કરી દેવામાં આવ્યા હતા. તાલુકા પોલીસે માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપી પાડેલા જુગારીઓને તાત્કાલિક જામીન મુક્ત કરી દીધા હોવાની રજૂઆત ડિવિઝનના Dyspને પણ કરાઇ હોવાની વાત સામે આવી હતી.
– APMCમાં ચાલતા જુગારધામમાં ઝડપાયેલ શખ્સોના નામ
(1) કિરીટ દલીચંદભાઇ ગઢીયા (રહે:- ઘનશ્યામગઢ)
(2) કાંતિભાઇ નાગરભાઇ કાવર (રહે:- હળવદ રોડ, ધ્રાંગધ્રા)
(3) ઓમદેવસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (રહે:- ખાંભડા)
(4) લલિતભાઇ માધાભાઇ મેથાણીયા (ઉપપ્રમુખ- ગ્રામ્ય ભાજપ) (રહે:- હળવદ રોડ ધ્રાગધ્રા)
(5) ભુપતભાઇ હસમુખભાઇ સિંધવ (રહે:- રતનપર)
(6) અરવીંદભાઇ નરશીભાઇ સરવાડીયા(સદસ્ય-તાલુકા પંચાયત, ધ્રાંગધ્રા)(રહે:- રાજસિતાપુર)
રિપોર્ટઃ સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા