ગાંધીનગરઃ પેપર લીક થયા બાદ રદ કરવામાં આવેલી લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીના રોજ ફરીવાર યોજાશે. 6 જાન્યુઆરીએ બપોરે 11થી 12 વાગ્યા સુધી લોકરક્ષક દળની પરીક્ષા યોજવામાં આવશે. આ પરીક્ષા 2500 સેન્ટર પરથી લેવામાં આવશે.
લોકરક્ષક ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાયએ જણાવ્યું કે, 6 જાન્યુઆરીએ લેવાનારી પરીક્ષા માટે કુલ 2500 સેન્ટરો ફાળવવામાં આવ્યા છે. જેમાં મોટાભાગના સેન્ટરોને યથાવત રાખવામાં આવ્યા છે, અને બીજા નવા સેન્ટરોને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં લોક રક્ષક દળની પરીક્ષા લેવાની હતી પરંતુ પરીક્ષા અગાઉ પેપર લીક થઇ જતા પરીક્ષા રદ કરવામાં આવ્યું હતી. 6 જાન્યુઆરીના રોજ પરીક્ષાર્થીઓને આવવા-જવા માટે એસટી બસોમાં મફત મુસાફરી કરાવાશે.
2 જાન્યુઆરીથી તમામ ડેપો તેમજ કંટ્રોલ પોઇન્ટ ખાતે 'એડવાન્સ બુકિંગની' સુવિધા શરૂ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં 1300 બસો દોડાવવામાં આવશે જેથી વિદ્યાર્થીઓને આવવા-જવા માટે સરળતા રહેશે. જોકે બસો પરીક્ષા માટે લેવાતા યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મળતી જાણકારી અનુસાર, તમામ ડેપો ખાતે 2 થી 5 જાન્યુઆરી સુધી 24 કલાક માટે બુકિંગ કરવામાં આવ્યું હતું અને આ માટે વિશેષ કંટ્રોલરૂમ પણ ખોલવામાં આવ્યાં હતા. જે અંતર્ગત પ્રથમ દિવસે અમદાવાદ ગીતા મંદિર ખાતેના બસ ડેપો પર 2500 પરીક્ષાર્થીઓએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતું.
જોકે રાજ્યમાં અનેક જગ્યાએ સવારે જ સિસ્ટમ ખોરવાતા વિદ્યાર્થીઓને કલાકો લાઇનમાં ઉભુ રહેવું પડ્યું હતું. ડબલ બુકિંગની શક્યતા ટાળવા માટે અસલ કોલ લેટરની પાછળ અધિકારીઓએ સહી-સિક્કા કર્યા હતા.
નોંધનીય છે કે ગત મહિને લોકરક્ષક દળનું પેપરફૂટી જતા છેલ્લી ઘડીએ પરીક્ષા રદ કરાઇ હતી. ભારે હોબાળા, વિરોધ પ્રદર્શનો અને રજૂઆતો બાદ સરકારે પરીક્ષાર્થીઓને ફેરપરીક્ષા યોજાય ત્યારે એસ.ટી.બસોમાં મફત મુસાફરીની સુવિધા આપવાની જાહેરાત કરી હતી. જે માટે તા.2 થી 5 તારીખ સુધી એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યું છે.