રાધનપુરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ક્યારેક ઘર ફોડચોરી તો ક્યારેક બાઇક ઉઠાંતરી. ત્યારે રાધનપુરમાં વધુ એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.
શહેરના ભરચક માર્કેટ યાર્ડમાં ધોળા દિવસે 4 બોરી એરંડાની ઉઠાંતરી થતા ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તપાસ દરમિયાન ઈકો ચાલક દ્વારા ચોરી કરાઈ હોવાનું બહાર આવતા માર્કેટ યાર્ડના વેપારીઓએ ઈકો ચાલકને પોલીસના હવાલે કર્યો છે.
રાધનપુર રામદેવ સોસાયટીમાં રહેતા જગમલભાઈ અરજણભાઈ જેઓ માર્કેટ યાર્ડમાં પેઢી ચલાવે છે. તેઓની પેઢીમાં મુકેલ આવકની એરંડાની બે બોરીઓ ગણતરી કરતા ગાયબ જોવા મળી હતી તો બાજુમાં આવેલી ચૌધરી જગમલભાઈ ગોવાભાઈની પેઢીમાંથી પણ 2 બોરી ગાયબ જોવા મળી હતી.
આમ કુલ કિંમત રૂ. 20,720 જેટલી રકમના એરંડાની ચોરી થતા રાધનપુર પોલીસમાં ફરિયાદ થવા પામી હતી. જે બાદ તપાસમાં ઈકો ચાલકે ચોરી કરી હોવાનું સામે આવતા. માર્કેટ યાર્ડના વેપારીઓ દ્વારા ચાલકને પકડી ઈકો સહિત પોલીસના હવાલે કર્યો છે.