- CURRENT AFFAIRS

નલિયામાં ન્યૂનત્તમ તાપમાન એકાએક ગગડતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં કડકડતી ઠંડીનો માહોલ જામ્યો છે અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરવા લાગતા શિયાળો બરાબરનો જામ્યો છે. તાપમાનનો પારો 13 ડિગ્રીથી નીચે જતા નલિયાના લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા.

ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીની લહેરખી પ્રસરી ગઈ છે ગત બે દિવસથી નલિયામાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં ઠંડીનું જોર ઉત્તરોઉત્તર વધી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં શીતલહેરનો પ્રકોપ યથાવત છે. ત્યારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી હાલ કચ્છમાં અનુભવાય છે જ્યાં આજે નલિયા 12.6, ભુજ 16.6, કંડલા એરપોર્ટ 16.1 સે.તાપમાન સાથે કડકડતી ઠંડી પડી હતી. રાજ્યમાં હવામાન એકંદરે સુકુ રહેશે. આશરે સપ્તાહ પછી ઠંડીમાં વધારો થવા સાથે કડકડતી ઠંડી સમગ્ર રાજ્યમાં શરુ થવાના એંધાણ છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન બાદ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ-જેમ દિવસ પસાર થાય છે તેમ-તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડી જતો હોવાથી અસહ્ય ઉકળાટનો અનુભવ થાય છે. સાંજ પડતાની સાથે ફરીથી ઠંડક છવાઇ જાય છે અને રાતથી વહેલી સવાર સુધી ઠંડીનો માહોલ બરકરાર રહે છે.

મહત્વપૂર્ણ છે કે, ઉતર ભારતમાં બરફ વર્ષા થાય અને ઉતર તરફના પવનો ગુજરાત પર આવે તો લઘુતમ તાપમાન ઘટે અને ઠંડીનો અહેસાસ થાય. પરંતુ ચાલુ વર્ષે 15 નવેમ્બરથી શિયાળાની સિઝનની શરુઆત થઇ છે  ત્યારે કચ્છ, ગાંધીધામ, ભુજ, નલિયા વિસ્તારમાં પ્રથમવખત ઠંડી અનુભવાતાં શહેરીજનો ગરમ વસ્ત્રોમાં જોવા મળ્યા હતા અને નગરજનોએ તાપણા કરીને ઠંડી ભગાડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *