- CURRENT AFFAIRS

ગાંધીનગરઃ આંદોલનકારીઓ સામે સરકારે નમતુ મુક્યું

તાજેતરમાં લેવાયેલી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિને લઇને ઉમેદવારો ગઈકાલ સવારથી ગાંધીનગર ખાતે વિરોધ કરી પરીક્ષા રદ કરવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે આ આંદોલન વધુ ઉગ્ર બનતા આખરે સરકારે આંદોલનકારીઓ સામે નમતું મુક્યું છે. રાજ્ય સરકારે જિલ્લા કલેક્ટર યુવરાજસિંહને આંદોલનકારીઓ સાથે ચર્ચા કરવાની સૂચના આપી છે. રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા કલેક્ટરે આંદોલનકારીઓ સાથે મંત્રાણા શરુ કરી છે.  

હું તમારી લડતમાં ભાગીદાર છું, હું તમારા સાથે છું: શંકરસિંહ વાઘેલા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે આંદોલન કરી રહેલા ઉમેદવારોને મળવા ગાંધીનગરના કર્મયોગી ભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, હું આંદોલનકારીઓની લડતમાં તેમની સાથે ભાગીદાર છું. આ દરમિયાન આંદોલનકારીઓએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પુરાવા રજૂ કરવા છતાં પણ સરકારના પેટનું પાણી નથી હલી રહ્યું. જેના જવાબમાં વાઘેલાએ કહ્યું હતું કે, સરકારે આંદોલનકારીઓની રજૂઆતને સાંભળવી જોઇએ. આજે હું ગર્વનરને ફોન કરી રજૂઆત કરીશ કે, જો શક્ય હોય તો પરીક્ષા રદ્દ કરવામાં આવે.

શું અમે આતંકવાદીઓ છીએ કે, અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે?: ઉમેદવારો

ઉલ્લેખનીય છે કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ સાથે હજારો પરીક્ષાર્થીઓ બુધવારની વહેલી સવારથી જ ગાંધીનગર આવી પહોંચ્યા હતા. ઉમેદવારોમાં ઉગ્ર રોષને કારણે કર્મયોગી ભવનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ પ્રદર્શન કરે તે પહેલા જ 150થી વધુની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે પોલીસના આવા વલણ સામે વિદ્યાર્થીઓએ આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, 'શું અમે આતંકવાદીઓ છીએ કે, અમારી સાથે આવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે?'

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *