ગાંધીનગરઃ પાંચ રાજ્યોની વિધાનસભામાં મળેલી હાર બાદ ભાજપે આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી લોકસભામાં 2014ની જેમ ભવ્ય વિજય મેળવવા માટે ભાજપ પ્રયાસો શરૂ કરી દીધા છે. 2019 લોકસભાની ચૂંટણીને લઈને ભાજપે 18 રાજ્યોમાં ચૂંટણી પ્રભારીની નિમણૂંક કરી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા લોકસભા ચૂંટણી-2019માં 18 રાજ્યોના પ્રભારીની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્યદીઠ ચૂંટણી પ્રભારી અને સહપ્રભારીના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓમ પ્રકાશ માથુરને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પ્રભારી અને સહપ્રભારી તેમજ ઉત્તરપ્રદેશમાં પ્રભારી સાથે બે સહપ્રભારીને જવાબદારી સોંપવામાં આવી છે. ઝડફીયાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ઝડફીયા સિવાય ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે નરોત્તમ મિશ્રા અને દુષ્યંત ગૌતમની પણ વરણી કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમાં લોકસભાની સૌથી વધુ બેઠકો હોવાથી ગોરધન ઝડફિયા, દુષ્યંત ગૌતમ અને નરોત્તમ મિશ્રાને જવાબદારી સોંપાઈ છે. આંધ્ર પ્રદેશના પ્રભારી અને સહપ્રભારી તરીકે વી. મુરલીધરન અને સુનિલ દેવઘરને સોપાઈ છે. મહેન્દ્રસિંહને અસમ અને ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવને ફરી બિહારની જવાબદારી સોંપાઈ છે.
ભાજપે ગુજરાતના ચૂંટણી પ્રભારી બદલ્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં ઓ પી માથુરને ગુજરાત ભાજપના પ્રભારી બનાવાયા હતા અને તેમણે ભાજપને 26માંથી 26 બેઠકો જીતી આપી હતી. ઓપી માથુરને ભાજપના કદાવર નેતા માનવામાં આવે છે અને મોદી સાથે સારા સંબંધો હોવાના કારણે તેમને ફરીવાર ગુજરાતમાં ચૂંટણી પ્રભારી બનાવાયા છે. ઓપી માથુરને ગુજરાત ભાજપના અગ્રણીઓ સારી રીતે જાણે છે.
ભૂપેન્દ્ર યાદવના સ્થાને ફરી માથુર પર ભાજપે દાવ ખેલ્યો છે. ઓપી માથુર શાહ અને મોદીની ગુડબુકમાં છે.ગુજરાતમાં જીતવું એ અમિત શાહ અને મોદી માટે નાકનો સવાલ છેજેને પગલે માથુર પર ભાજપે દાવ ખેલ્યો છે. જેઓને લોકસભામાં ચમત્કાર કરવાની જવાબદારી સોંપાઈ છે.