રાજ્યમાં કોરોના વાયરસની બીજી લહેરની ગતિ ધીમી પડી હોય તેવું દેખાઇ રહ્યું છે. ત્રીજી લહેરની સંભાવના વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. અહીં બીએસએફના એક સાથે 20 જવાનો કોરોનાથી સંક્રમિત થતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.
તાત્કાલિક ધોરણે તમામ સંક્રમિત જવાનોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા અન્ય જવાનોના સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે. જવાનોના સેમ્પલને ટેસ્ટિંગ માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે.
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી નરેશભાઇ ગર્ગએ જણાવ્યું કે, નાગલેન્ડથી એક બીએસએફ બટાલિયન જવાનોની ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને બી.એસ.એફના પ્રોટોકોલ મુજબ તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાંથી કેટલાકને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા. જેમાં પહેલાં 7 જેટલા જવાનો કોરોના પોઝિટિવ આવતા તંત્રએ વધુ ટેસ્ટ કરતા બીજા 13 જવાનો કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. આમ કુલ 20 જવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
નરેશભાઇ ગર્ગએ જણાવ્યું કે, તાત્કાલિક તમામ કોરોના સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં આઇસોલેટ કરાયા છે અને તેમના સંપર્કમાં આવેલા અન્ય જવાનોના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોરોના સંક્રમિત જવાનોના સેમ્પલને ટેસ્ટિંગને માટે ગાંધીનગર મોકલી આપવામાં આવ્યા છે. ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ જાણી શકાશે કે કયા ટાઇપનું વેરિએન્ટ છે.