તા-23-06-2022 રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તારીખ 23 થી25 જૂન 2022 દરમ્યાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી 17મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ- ૧ ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી અને પ્રવેશકીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીએ આ શાળાની મુલાકાત દરમ્યાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કરી ગામમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી તેને વધુ સારી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશ ના ગ્રોથ એન્જિન ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યનો છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવે એ માટે સફળ પ્રયત્નો કર્યા છે. આ ગતિને આગળ વધારવા અમારી સરકાર કાર્યરત છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ એ ધ્યેય મંત્ર સાથે શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષા જેવી બાબતો ઉપર વિશેષ ભાર મૂકીને એને મજબૂત બનાવ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત હોય તો દરેક ક્ષેત્રમાં આગળ વધી શકાય છે અને શિક્ષણ થકી ટેકનોલોજીનો ઉપયોગ કરી વ્યક્તિ સક્ષમ બની શકે છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતના શાળા શિક્ષણની સ્થિતિ બદલવા અને બાળકોના પ્રારંભિક શિક્ષણ ને વેગ આપવા વર્ષ 2003થી શરૂ કરાવેલા આ શાળા પ્રવેશોત્સવથી રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
પ્રવેશોત્સવ દ્વારા ગામમાં ઉત્સાહનો માહોલ ઊભો થાય છે અને ગ્રામજનો પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થાય છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પડતી તકલીફો દૂર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા મેડિકલ, એન્જિનીયરિંગ જેવા અનેક ક્ષેત્રોમાં શિક્ષણ માટે ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. મુખ્યમંત્રીએ ઉપસ્થિત તમામને ગામના બાળકો સારું શિક્ષણ મેળવે તે માટે પ્રયાસરત રહેવા આહવાન કર્યું હતું.
સરકારે શિક્ષણ સાથે સ્વાસ્થ્ય અને સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં મહત્વની કામગીરી કરી છે. કોરોના મહામારીના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાની દિર્ઘદષ્ટિથી દેશવાસીઓને ઉત્તમ સારવાર, મફત રસીકરણ અને જરૂરિયાતમંદોને મફત અનાજ પૂરું પાડીને આ મહામારીમાંથી બહાર કાઢ્યા છે. ગુજરાત સરકારે પણ સ્વાસ્થ્ય સબંધી યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહે એ માટે બજેટમાં વિશેષ જોગવાઇઓ કરી છે. બનાસકાંઠા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. રાજ્ય સરકારે પશુઓમાં થતાં વિવિધ રોગોને રોકવા માટે પશુ આરોગ્ય મેળા કરીને સારવાર પુરી પાડી છે. તેના પરિણામે દૂધમંડળીઓમાં દૂધની આવકમાં 61 મેટ્રિક ટનથી વધીને 158 મેટ્રિક ટન જેટલો નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન સરકાર કુટુંબ ભાવનાથી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે કટિબદ્ધ છે એમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા પ્રવેશોત્સવના આગળના દિવસે મેમદપુર ગામમાં આયોજિત થયેલ “સેવાસેતુ” નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર નાગરિકોને સામે ચાલીને વિવિધ યોજનાના લાભ ઘરે આંગણે પહોંચાડી રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં દરેક યોજનાનો તમામ નાગરિકોને સંપૂર્ણ લાભ મળે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ શૈક્ષણિક સિદ્ધિઓ હાંસલ કરનાર ગામની દીકરીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, સંગઠનના પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર, જિલ્લા પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ વાઘેલા, સુરેશભાઇ શાહ, હિતેશભાઈ ચૌધરી, ડાહ્યાભાઇ પીલિયાતર, જિલ્લા કલેકટર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમાર, વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.