ગાંધીનગર: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લઈને દેશભરમાં તમામ ઈમર્જન્સી સેવાઓ માટે એક જ નંબર ડાયલ કરવાની સિસ્ટમ અમલી બનાવી છે. આ નિર્ણય પ્રમાણે હવે કોઈ પણ ઈમર્જન્સી સેવા માટે દેશભરમાં એક જ નંબર 112 ડાલ કરવાનો રહેશે. આ યોજનાનો અમલ કરવામાં ગુજરાત મોખરે છે અને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ યોજના અંતર્ગત હેલ્પલાઈન 112નો પ્રારંભ કરાવ્યો હતો.
આ યોજના પ્રમાણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોલીસ, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ સહિતની કોઇપણ ઇમરજન્સી માટે હવે એક જ નંબર 112 ડાયલ કરવાનો રહેશે. આ જાહેરાત કરતાં ગુજરાત સરકારના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, ગુજરાતમાં ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, મોરબી, છોટા ઉદેપુર, બોટાદ, અરવલ્લી અને મહિસાગર જિલ્લામાં આ હેલ્પલાઈન 112નો પ્રારંભ કરાયો છે.
આ તમામ જિલ્લાઓમાં જીવીકે ઇએમઆરઆઇના હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને 112 નંબર કાર્યરત કરાયો છે અને મંગળવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ હેલ્પલાઇનનો પ્રારંભ કરાવ્યો છે. હવે તબક્કાવાર રીતે સમગ્ર રાજ્યમાં તેનો અમલ થશે અને હેલ્પલાઈન 112 કાર્યરત થશે.
હાલમાં રાજ્યમાં ઈમર્જન્સી સેવાઓ માટે અલગ અલગ હેલ્પલાઈન કાર્યરત છે. અત્યારે એમ્બ્યુલન્સ સેવા માટે 108 નંબર ડાયલ કરવો પડે છે જ્યારે પોલીસને ફરિયાદ કરવા કે માહિતી આપવા માટે 100 નંબર ડાયલ કરવો પડે છે. આગ લાગી હોય કે બીજી કટોકટી હોય ત્યારે ફાયર બ્રિગેડને બોલાવવા માટે 101 નંબર ડાયલ કરવો પડે છે. એ જ રીતે અભયમ હેલ્પલાઈનનો નંબર 181, ડિઝાસ્ટર કંટ્રોલના હેલ્પલાઈન નંબર 1070 અને 1077 છે.
એનિમલ હેલ્પલાઇનનો નંબર 1962 છે.
અત્યારે લોકોને નવી હેલ્પલાઈન 112 વિશે જાણ નથી તેથી લોકોમાં 112 હેલ્પલાઇન અંગે જાગૃતિ આવે તે દરમિયાન જે-તે સેવાના હાલના નંબર ઉપર આવતા ફોન કોલ્સ 12 મહિના સુધી આપોઆપ નવી હેલ્પલાઇન 112 ઉપર ટ્રાન્સફર થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. એક વરસ સુધી આ રીતે હેલ્પલાઈન 112 પર નંબર આવશે ને પછી આ સેવાઓના નંબર ક્રમશઃ દૂર કરાશે.