સુરેન્દ્રનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ અને કિંજલ પરીખ આજે લગ્નગ્રંથીથી જોડાયા હતા. હાર્દિક પટેલે પોતાની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે સપ્તપદીના સાત ફેરા ફર્યા હતા. હાર્દિક પટેલે કિંજલને સેંથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવીને હિન્દુ વિધિથી પોતાની અર્ધાગની બનાવી છે.
આ ઉત્સાહના માહોલ વચ્ચે પરિવારજનોએ હાર્દિક અને કિંજલને આશિર્વાદ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલના લગ્ન દિગસર ગામે યોજવામાં આવ્યા હતા. લગ્ન ખૂબ સાદાઇથી યોજવામાં આવ્યા હતા. હાર્દિકના લગ્નમાં નજીકના સંબંધીઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાસના એક પણ નેતાને લગ્નમાં આમંત્રણ અપાયું નહોતું.
હાર્દિકના લગ્નની સવારથી જ વિધિઓ શરૂ થઇ ગઇ હતી. હાર્દિક વિરમગામથી વહેલી સવારે દિગસર જવા રવાના થયો હતો. લગ્ન મંડપે પહોંચેલા હાર્દિકને કિંજલ દ્વારા હાર પહેરાવાયો હતો. ત્યારે પરંપરા મુજબ જમાઈની નાક ખેંચવાની વિધિ પણ યોજાઈ હતી અને હાર્દિકના સાસુ દ્વારા હાર્દિકનું નાક ખેંચવામાં આવ્યું હતું.
જોકે, હાર્દિકે મોં આગળ રૂમાલ રાખીને સાસુને નાક ખેંચતા રોકવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાર્દિકના લગ્ન અત્યંત સાદગીથી અને જૂજ મહેમાનોની હાજરીમાં થવાના છે.
જેમાં અન્ય લોકોને અંદર જવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ગઇકાલે રાત્રે હાર્દિકના લગ્નના રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પરિવાર સાથે ગરબે ઘૂમ્યો હતો.
લગ્ન બાદ કિંજલ પરીખના પિતાએ કહ્યું હતું કે, તેઓ હાર્દિકના પરિવારને ઘણા વર્ષોથી ઓળખે છે અને હવે તેઓ સંબંધી બનશે. મીડિયા રિપોર્ટ અનુસાર, કિંજલ પરીખ કોમર્સમાં ગેજ્યુએટ છે. તે હાલમાં ગાંધીનગરમાં એલએલબીનો અભ્યાસ કરી રહી છે.
કિંજલ પરીખ અનેકવાર હાર્દિકના ઘરે આવતી હતી. કિંજલ અને હાર્દિકની બહેન મોનિકા સાથે અભ્યાસ કરતા હતા. હાર્દિક અને કિંજલ બાળપણથી જ એકબીજાને સારી રીતે ઓળખે છે.