જન મન ઈન્ડિયા- સંવાદદાતા
અમદાવાદ:પાટીદારોને અનામત, ખેડૂતોની દેવા માફી અને રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની મુક્તિ મામલે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના ઉપવાસ આજે સોમવારે17માદિવસમાં પ્રવેશ્યા છે. બે દિવસ હોસ્પિટલમાં સારવાર બાદ રવિવારથી હાર્દિકે આમરણાંત ઉપવાસ ફરી ચાલુ કર્યા છે. હાર્દિક પટેલ હજુ પણ મક્કમ છે, તેણે ત્રણ મુખ્ય માંગણીઓ ન સંતોષવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો નિર્ધાર કર્યો છે.
બીજી તરફ હાર્દિક પટેલ અને ગુજરાત સરકાર વચ્ચે મધ્યસ્થી કરવાની તૈયારી બતાવનારા ખોડલધામના નરેશ પટેલ આજે અન્ય સંસ્થાઓના પાટીદાર આગેવાનો સાથે હાર્દિકની માગણીઓ અંગે ચર્ચા કરે તેવી શક્યતા છે. આ ચર્ચા બાદ પાટીદાર સમાજના આગેવાનો સરકાર સમક્ષ રજૂઆત અંગેની રણનીતિ તૈયાર કરશે. નરેશ પટેલ ઉમિયાધામના નેતાઓ સાથે આજે ચર્ચા કરે તેવી શક્યતા છે.
દરમિયાનમાં હાર્દિક પટેલ રવિવારેહોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા બાદ તેના રિસોર્ટ ખાતેના તેના ઘરે ઉપવાસ છાવણીમાં પહોંચ્યો ત્યારે ડીસીપી જયપાલસિંહ રાઠોડે તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો મુદ્દો ગરમાયો છે. હાર્દિકે આ અંગે ટ્વિટ કર્યું પછી સોશિયલ મીડિયા પર તેને જોરદાર સમર્થન મળ્યું છે.
હાર્દિકે ઉપવાસ ચાલુ કર્યા પણ તેના નજીકના સાથી અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ આ અંગે નારાજગી દર્શાવી છે. રવિવારે હાર્દિકના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે પાટણથી ઉંઝા સુધીની સદભાવના રથયાત્રા નિકળ હતી. આ યાત્રામાં જોડાયેલા કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ હાર્દિક સામે નારાજગી વ્યક્તિ કરતા કહ્યું કે, હું સ્પષ્ટ કહું છું કે અમે હાર્દિકના નિર્ણયથી નારાજ છીએ. નફ્ફટ સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું ન હોય પણ હાર્દિક માનતો નથી. હું વ્યક્તિગત રીતે તેનાથી નારાજ છું પણ આ આંદોલનમાં હંમેશાં તેની સાથે રહીશ.