સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રયાગરાજના કુંભ મેળામાં થયેલા એક કાર્યક્રમાં કેન્દ્રની મોદી સરકાર પર ઈશારામાં નિશાન સાધ્યુ અને વ્યંગ કરતા કહ્યું કે રામ મંદિર વર્ષ 2025માં બનશે.
ભૈયાજી જોશીએ આ કાર્યક્રમમાં રામ મંદિર પર બોલતા કહ્યું કે અયોધ્યામાં વર્ષ 2025માં જ્યારે રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ જશે તો દેશ ઝડપથી વિકાસ કરવા લાગશે. તેમના જણાવ્યા પ્રમાણે દેશમાં વિકાસની ગતિ એ પ્રકારે વધશે, જેમ વર્ષ 1952માં સોમનાથમાં મંદિર નિર્માણ બાદ શરૂ થઈ હતી.
સાથે જ ભૈયાજી જોશીએ એ પણ સંકેત આપ્યો કે હવે અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ કેન્દ્ર સરકારના અધ્યાદેશ વગર સંભવ નથી. તેઓએ કહ્યું કે પહેલા પણ સ્વામી વિવેકાનંદનું સ્મારક બનાવવાના વિરોધમાં કેટલીક શક્તિઓએ અવાજ ઉઠાવ્યો હતો. તે સમયે સવા ત્રણ સો સાંસદોએ લેખિત પત્ર મારફતે આ સ્મારકને બનાવવા માટે સદનમાં પોતાની સહમતિ આપી હતી. એ પ્રકારની પરિસ્થિતિઓ આજે ફરીથી સામે આવી છે.
સુરેશ જોશીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને સાંસદોને શ્રી રામ મંદિરના નિર્માણની દિશમાં કંઈક વિચારવું જોઈએ. તેઓએ કહ્યું કે ઘણા સમય બાદ કેન્દ્રમાં મોદી અને ઉત્તર પ્રદેશમાં યોગીની સંવેદનશીલ સરકાર આવી છે જે કારણે આ વખતે કુંભમાં દિવ્યતા અને ભવ્યતા દેખાઈ રહી છે.
કહ્યું કે આ તક છે જ્યારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો સંકલ્પ લઈને સરકારોએ આગળ વધવુ જોઈએ. કુંભ હંમેશાથી જ દેશ અને દુનિયામાં સાંસ્કૃતિક, સામાજિક પરિવર્તનનો સાક્ષી રહ્યો છે. સુરેશ જોશીએ કહ્યું કે અયોધ્યામાં મંદિર નિર્માણ બાદ દેશનો વૈભવ વધશે.
આ અવસર પર ઉત્તરાખંડના કેબિનેટ મંત્રી સતપાલ મહારાજે કહ્યું કે કુંભ અમરતાનો પર્વ છે. અહીં થી અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો સંકલ્પ લઈને જયઘોષ કરાવવો જોઈએ. રામનું ભવ્ય મંદિર બને તેના માટે અલખ જગાવવાની જરૂર છે.