ધરમપુરઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વલસાડના ધરમપુરથી ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. રાહુલ ગાંધીએ ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે જન આક્રોશ રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ અહીં પણ રાફેલનો મુદ્દો ચગાવ્યો હતો.
રાહુલ જ્યારે સંબોધન કરવા આવ્યા ત્યારે રાહુલ ગાંધી. રાહુલ ગાંધીના નારા લાગ્યા હતા. ભાષણની શરૂઆતમાં રાહુલ ગાંધીએ રાફેલનો મુદ્દો ઉઠાવી ચોકીદાર ચોર છે એવું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ચોકીદારની ચોરી પકડાઇ ગઇ છે.
અનિલ અંબાણીને એક જ ઝાટકામાં 30 હજાર કરોડ રૂપિયા આપી એરફોર્સના પાયલોટના ખિસ્સાના રૂપિયા છીનવી લીધા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, અગાઉ અચ્છે દીનના નારા લાગતા હતા પરંતુ હવે ચોકીદાર ચોર છેના નારા લાગે છે.
રાહુલે કહ્યું કે મોદીજી જ્યારે લોકસભામાં ભાષણ કરે છે તો મારી આંખમાં આંખ નથી મીલાવતા. મારા સવાલોનો જવાબ નથી આપતા. રાહુલે કહ્યું કે રાફેલ મામલે દેશની જનતા જાણે છે કે ચોકીદાર કોણ છે. રાહુલે દાવો કર્યો હતો કે ફ્રાન્સના રાષ્ટ્રપતિને પણ મોદીએ કહ્યું હતું કે રાફેલ ડીલમાંથી એચએએલને હટાવી અને તેના સ્થાને અંબાણીનો સમાવેશ કરવામાં આવે. રાહુલ ગાંધીએ નિરવ મોદી અને વિજય માલ્યાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, વડાપ્રધાન ખેડૂતોના દેવા માફ કરવાના બદલે ભાગેડુઓના દેવા માફ કરી રહ્યા છે. આ એક બીજા પ્રકારની ચોરી છે.
ખેડૂતોને દેવા માફીનો ઉલ્લેખ કરીને રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતની ચૂંટણી વખતે અમે ખેડૂતોના દેવામાફીને લઇને વચન આપ્યું હતું. અમે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આ વચન પુરુ કર્યું છે. ભલે આંધી તુફાન આવી જાય પણ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં ખેડૂતોનું દેવુ માફ થયું. દસ દિવસ પણ ન લાગ્યા.
રાહુલે કહ્યું કે, અમને ભારત માલા કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે વિરોધ નથી પરંતુ અમને આદિવાસીઓ સાથે થતા અન્યાય સામે વિરોધ છે. તેમણે ગુજરાતના લોકોના વખાણ કરતા કહ્યું કે પૂરી દુનિયામાં ગુજરાતના લોકો મળી જાય છે. રાહુલ ગાંધીએ ગુજરાત વિશે કહ્યું કે મને ગુજરાતમાં આવવું ગમે છે, અહીંયા પણ મારો સંબંધ છે. જીએસટી કાયદાને લઇને રાહુલ ગાંધીએ કહ્યું કે, હું તે ટેક્સને ગબ્બરસિંહ ટેક્સ કહ્યું છું.