ગાંધીનગરઃ એસ ટી નિગમના 45 હજાર કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. જેને કારણે ગુજરાતમાં લગભગ 25 લાખ જેટલા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
એસટી નિગમ દ્ધારા ફિક્સ પગારના કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં તમામ ફિક્સ પગાર ધરાવતા કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે જો તેઓ સમયસર નોકરી પર હાજર નહી રહે તો તેઓને સસ્પેન્ડ કરવામાં આવશે. સરકાર દ્ધારા નોટિસ મળતા એસટીના કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.
જે કર્મચારીઓને નોટિસ મળી છે તેવા કર્મચારીઓએ કહ્યું હતું કે, સરકારને જે પણ કાર્યવાહી કરવી હોય તે કરે પરંતુ અમે લોકો સાતમા પગાર પંચ લીધા વિના હડતાળ બંધ કરીશું નહીં. જો સરકારને અમને રાજીનામું આપવાનું કહેશે તો અમે તમામ લોકો રાજીનામું આપી દઇશું. નવા કર્મીઓ બધા જ કાયદાનાં જાણકાર અને ભણેલા ગણેલા છે.
ઉલ્લેખનીય છે કે, એસટી કર્મચારીઓની હડતાળને કારણે દરરોજ અપડાઉન કરતા હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં પ્રાઇવેટ વાહનચાલકો પણ એસટી કર્મચારીઓની હડતાળનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે અને મુસાફરોને લૂંટી રહ્યા છે. હાલ લગ્નની મોસમ પણ ચાલી રહી છે તેમાં પણ લોકોની અવર જવરમાં તકલીફ પડે છે.
બીજી તરફ એસ.ટી નિગમનાં ઉત્તર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય આમ તમામનું પ્રતિનિધિ મંડળની બેઠક યોજાઇ હતી. જેમાં તેમણે બધાએ એક સૂરમાં કહ્યું છે કે, 'જ્યાં સુધી અમારી માંગણીઓ નહીં સ્વીકારાય ત્યાં સુધી માસ સીએલનો કાર્યક્રમ ચાલુ રાખવામાં આવશે.
'સીએમ એકબાજુ કહે છે કે, આ નિગમ રાજ્યનાં લોકોની સેવા કરવા માટેનું છે જ્યારે બીજી તરફ કહે છે કે, નફો કરતાં વિભાગને જ પગાર વધારાનો લાભ મળે. જો અમારી માંગણીઓ પુરી કરતા હોય તો અમે હડતાળ પુરી કરી દઇશું.'
નોંધનીય છે કે સરકાર પણ એસટી કર્મચારીઓ સામે ઝૂકવા તૈયાર નથી અને તમામ કલેક્ટરો દ્ધારા ખાનગી બસ ચાલકોની મદદ લેવામાં આવી રહી છે. પોલીસે પણ ખાનગી બસોને શહેરમાં આવવા દેવાની પરવાનગી આપી દીધી છે.