બ્લડ શુગરના રિપોર્ટ માટે હવે તમારે લોહીના સેમ્પલ આપવાની જરૂર નહીં પડે. હવે વૈજ્ઞાનિકોએ એક એવા સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ તૈયાર કર્યા છે જે આંસુઓના રીડિંગથી બ્લડ શુગર અને હાર્ટની બીમારી વિશે જાણકારી આપી દેશે. લેન્સના સેન્સરતી કોમ્પ્યુટરમાં સીધી રીતે ડાટા ટ્રાન્સફર થશે અને તે પણ વાયરલેસ રીતે.
અમેરિકા, બ્રિટેન અને ચીનના શોધકર્તાઓએ એક કમાલનો સ્માર્ટ કૉન્ટેક્ટ લેન્સ બનાવ્યો છે. તેને લગાવ્યા બાદ તમે તમારી બીમારીઓ પર નજર રાખી શકશો. આ કૉન્ટેક્ટ લેન્સ આંસુઓની મદદથી શરીરમાં બ્લડ શુગર લેવલની તપાસ કરશે અને તમને એલર્ટ કરશે.
લેન્સ બનાવનારી ટીમના સભ્ય પ્રોફેસર યૂનલૉન્ગ ઝાઓના જણાવ્યા પ્રમાણે આ સ્માર્ટ લેન્સ આંખોની રોશની વધારવાની સાથે બીમારીઓ વિશે પણ જાણકારી આપશે.
આ લેન્સ આંસુઓમાં રહેલા બ્લડ શુગર લેવને પહેલા ચેક કરે છે અને ત્યાર બાદ તે ડાટાને વાયરલેસ રીતે કોમ્પ્યુટરમાં મોકલે છે. ત્યાર બાદ કોમ્પ્યુટર પર જોઈ શકાશે કે શુગર અને હાર્ટની બીમારી કેટલી ખતરનાક છે.
રિસર્ચમાં સામેલ હાર્વર્ડ યૂનિવર્સિટીના પ્રોફેસર શિકી ગુઓનું કહેવું છે કે આ લેન્સ ઘણો પાતળો છે. બે લેન્સો વચ્ચે એક સેન્સર અને એક સર્કિટ લગાવવામાં આવ્યું છે. આ સેન્સર્સથી સંપર્કમાં જેવા આંસુ આવે છે તો સેન્સર સર્કિટની મદદથી કોમ્પ્યુટરમાં ડાટા મોકલે છે. આ લેન્સમાં માઈક્રોચિપનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
મોટી વાત એ છે કે આ લેન્સમાં ઝૂમ ઈન અને ઝૂમ આઉટની પણ સુવિધા આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે જો કોઈ ચીજને તમે ઝૂમ કરીને જોવા માંગો છો તો તમારે એકવાર પાંપણો ઝપકાવવી પડશે.
આ લેન્સમાં નાઈટ વિઝન પણ છે એટલે તમે રાત્રે પણ જોઈ શકશો. અમેરિકાના સ્ટાર્ટઅપ મોઝો વિઝને કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં સ્માર્ટ લેન્સનો પ્રોટોટાઈપ લૉન્ચ કરશે.