વડોદરાઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં ચાલી રહેલા તણાવની સ્થિતિને પગલે વાઘોડિયાથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ગુસ્સો પ્રગટ કર્યો છે. દેશભરમાં લોકો પાકિસ્તાનને પાઠ ભણાવવા માટેની માંગ કરી રહ્યા છે ત્યારે વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, હું આત્મઘાતી બની પાકિસ્તાન જઈ સુસાઇડ બોમ્બર બની બદલો લેવા માંગુ છું. મધુ શ્રીવાસ્તવે સુસાઇડ બોમ્બર બનીને પાકિસ્તાનમાં જવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
મળતી જાણકારી અનુસાર, ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, હું આત્મઘાતી બોમ્બર બનીને પાકિસ્તાનમાં જઇ બદલો લેવા માંગું છું. તેની સાથે કહ્યું હતું કે, સરકાર જો મંજૂરી આપે તો હું પાકિસ્તાન જઇને 500 આતંકીઓને ઉડાવી દેવા માંગું છું. મને મારી કોઇ પરવા નથી. હું શહીદોનો બદલો લેવા માંગું છું.
વધુમાં શ્રીવાસ્તવે કહ્યું હતું કે, આપણા સૈનિકો પર આત્મઘાતી હુમલો કર્યો છે ત્યારે આતંકવાદનો ખાત્મો કરવો જોઇએ. મારી સરકારને વિનંતી છે કે કોઇ અમરફળ ખાઇને આવ્યું નથી. મરવાનું નક્કી જ છે. જો સરકાર મને મદદ કરે તો હું સુસાઇડ બોમ્બર બનીને પાકિસ્તાનમાં જવા તૈયાર છું. પાકિસ્તાનમાં આતંકવાદનો ખાત્મો કરીને મરવા મીટવા તૈયાર છું.
નોંધનીય છે કે પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા હુમલાને લઇને સમગ્ર દેશમાં આક્રોશ હતો. જે ઘટનાના 12 દિવસ બાદ ઇન્ડિયન એરફોર્સે પીઓકેમાં એરસ્ટ્રાઇક કરી હતી અને 300થી વધુ આતંકીઓનો સફાયો કર્યો હતો. આ ઘટના બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ હતો.
જોકે, પાકિસ્તાનના એરફોર્સને જવાબ આપવાના પ્રયાસમાં ભારતના પાયલટ અભિનંદનનું મિગ-21 તૂટી પડ્યું હતું. બાદમાં તે પાકિસ્તાની સૈન્યના હાથમાં ઝડપાઇ ગયા હતા. જોકે, બે દિવસ બાદ ભારતના દબાણ હેઠળ પાકિસ્તાને પાયલટ અભિનંદનને ભારતને સોંપી દેવામાં આવ્યા છે.