સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના મેત્રાલ ગામની સીમમાંથી પાંચમહૂડા ગામની કોલેજીયન યુવતીનો મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યાની ઘટનાને 20 દિવસથી વધુનો સમય થયો છે. પરિવારજનોનો આરોપ છે કે યુવતીની બદ ઈરાદે હત્યા કરવામાં આવી છે. પરિવારજનો 20 દિવસ બાદ પણ અંતિમ સંસ્કાર કરવાનો ઈન્કાર કરતા પોલીસ માટે અગ્ની પરિક્ષા શરૂ થઈ છે.
ગત ચોથી જાન્યુઆરીએ પીંકી ગમાર નામની યુવતી કોલેજના કાર્યક્રમમાં હાજરી આપવા ગઈ હતી જોકે ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોડ હાથ ધરી હતી.જે બાદ યુવતીનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જે બાદ પોલીસે પોસમોર્ટમની કાર્યવાહી પુરી કરી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. સ્થાનિક પોલીસે હાલ આત્મહત્યાનો કેસ દાખલ કરીને આ દિશામાં તપાસ હાથ ધરી છે. જોકે પરિવારજનોએ બદ ઈરાદે પીંકીની હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરી છે. જ્યાં સુધી હત્યારાઓ નહી ઝડપાય ત્યા સુધી અંતિમ સંસ્કાર ન કરવાનું પરિવારજનો જણાવી રહ્યા છે.
મૃતક યુવતીના પરિવારજનોના આક્ષેપને ધ્યાનમાં લઈ ખેડબ્રહ્માં બાદ અમદાવાદની ફોરેન્સિક લેબમાં યુવતીનું પી.એમ કરવામાં આવ્યું હતું. જોકે પરિવારજનોનો આરોપ છે કે યુવતીના શરિર પર જે રીતે ઘા ના નિશાનો મળી આવ્યા છે તે પરથી સ્પષ્ટ થાય છે કે આ આત્મહત્યા નથી બલકે હત્યા છે.
મહત્વનું છે કે છેલ્લા 20 દિવસથી યુવતીનો સબ સડી રહ્યો છે. અને જિલ્લા પોલીસ સહિત એસ.ઓ.જીની ટીમ પરિવારજનોની માગને લઈ દોડતી થઈ છે. ત્યારે જોવું એ રહ્યું કે પરિવારજનોના આક્ષેપ મુજબ હત્યારાઓની ધરપકડ થાય છે અને મૃત યુવતીનું અંતિમ સંસ્કાર કરવામાં આવે છે કે કેમ.