2019ની લોકસભા ચૂંટણીમાં હવે કેટલાક જ મહિનાનો સમય બચ્યો છે. પોતાના સાડા 4 વર્ષથી વધારે સમયના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 48 વિદેશ યાત્રાઓ કરી છે જેનો ખર્ચ 2,021 કરોડ રૂપિયા આવ્યો છે. તેના મુકાબલે પૂર્વ પીએમ મનમોહન સિંહે 38 વિદેશ યાત્રા કરી હતી.
પીએમ મોદીના ચાર્ટડ વિમાનને ભાડા પર લેવાનો ખર્ચ 429.28 કરોડ રૂપિયા રહ્યો. આ રકમ મનમોહન સિંહથી ફક્ત 64 કરોડ રૂપિયા ઓછી છે. આ આંકડો રાજ્યસભામાં પૂછવામાં આવેલા સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે આપ્યો. જો વિદેશ યાત્રા અને વિમાનના ખર્ચને જોડી દેવામાં આવે તો રકમ 2,450 કરોડ રૂપિયા થઈ જાય છે.
મંત્રાલયે પોતાના જવાબમાં કહ્યું કે ચાર યાત્રાઓ માટે ચાર્ટર્ડ વિમાનના 19.32 કરોડ રૂપિયાના ખર્ચને હમણા પૈસાની કમીના કારણે આ નાણાકીય વર્ષમાં પસાર કરી શકાયા નથી. તેમાં પીએમનો એપ્રીલ મહિનામાં કરાયેલો સ્વીડન, બ્રિટેન અને જર્મની, મે માં રૂસ, 28 મે થી 2 જૂન વચ્ચેનો ઈન્ડોનેશિયા, મલેશિયા અને સિંગાપોર તેમજ જૂનનો ચીન પ્રવાસ પણ સામેલ છે.
પીએમ મોદીના વિદેશ પ્રવાસનો ખર્ચ પૂર્વ પીએમ મનમોહન સિંહથી વધારે હોઈ શકે છે કેમ કે મંત્રાયલે કહ્યું કે તેને મે થી લઈ નવેમ્બર સુધી આ વર્ષે કરવામાં આવેલી યાત્રાઓનું બિલ નથી મળ્યું.
તેમાં નેપાળ(મે), રવાંડા, યુગાંડા અને દક્ષિણ આફ્રિકા(જૂલાઈ) અને માલદીવ(નવેમ્બર)ની યાત્રા સામેલ છે. રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ સંજય સિન્હએ બંન્ને પીએમની વિદેશ યાત્રાઓ પર થયેલો ખર્ચ, તેમની સાથે કેટલા લોકો ગયા હતા તેની વિગતવાર માહિતી માંગી હતી.
જવાબ અનુસાર પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) પર વિમાનની જાળવણી પર ખર્ચ 375.29 કરોડ રૂપિયા દેખાડવામાં આવ્યો છે. પીએમ મોદીના કાર્યાકાળમાં વિમાનની જાળવણીનો ખર્ચ પૂર્વ પીએમની તુલનામાં 731.58 કરોડ રૂપિયા વધારે રહ્યો. મનમોહન સિંહના કાર્યકાળમાં વિમાનની જાળવણી પર 842.6 કરોડ રૂપિયા ખર્ચ થયા હતા જ્યારે પીએમ મોદીના શાસનમાં 1,574.18 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
થોડા સમય પહેલા પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું હતુ કે તે ક્યારેય મૌન પ્રધાનમંત્રી નથી રહ્યા. તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન લાંબી પત્રકાર પરિષદ કરતા હતા. જેમાં ભારતીય પત્રકારોનું એક જૂથ તેમની સાથે ચાલ્યા કરતું હતુ. રાજ્યસભામાં આપવામાં આવેલા જવાબ અનુસાર પીએમ મોદી પત્રકારોના એક ખુબ જ નાના સમૂહને પોતાની સાથે લઈને જાય છે.
પહેલા વર્ષમાં પીએમ મોદી ફક્ત ન્યૂઝ એજન્સીઓ જેવી કે પીટીઆઈ, એએનઆઈ અને યૂએનઆઈના પત્રકારને લઈને ગયા હતા. 2016માં ફક્ત આ એજન્સીઓના ફોટો પત્રકારોની સાથે જવાની પરવાનગી હતી અને 2017માં પીટીઆઈના ફોટો પત્રકારોને હટાવી દેવાયા.