લખનઉમાં સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ બસપા સુપ્રીમો માયાવતીની થઈ રહેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું કે આ ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બંન્ને ગુરુ-ચેલાની ઉંઘ હરામ કરનારી છે.
માયાવતીએ ભાજપ પર હમલો કરતા કહ્યું કે કેન્દ્રમાં ભાજપની સરકાર હોવાથી આજે દેશનો યુવા, ખેડૂત તેમજ મહિલાઓ બધા પરેશાન છે. માટે 1993માં ગેસ્ટ હાઉસ કાંડને દેશ તેમજ જનહિત માટે પાછળ છોડી દીધો છે. સપા-બસપા ગઠબંધનમાંથી દેશને મોટી આશા છે. અમે કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી કરી રહ્યા. કોંગ્રેસ માટે સીટ છોડવાથી ગઠબંધન નબળુ થાય છે.
તેઓએ વધુમાં કહ્યું કે, ભાજપ તેમજ કોંગ્રેસની નીતિઓ એક જ છે. બોફોર્સના કારણે કોંગ્રેસની સરકાર ચાલી ગઈ. એ જ રીતે રાફેલના કારણે ભાજપની સરકાર પણ જશે. લોકસભા ચૂંટણી માટે યૂપીની 80 સીટો પર ગઠબંધન ફાઈનલ થઈ ચુક્યુ છે. સપા 38 તેમજ બસપા 38 સીટો પર લડશે. કોંગ્રેસ માટે અમેઠી તેમજ રાયબરેલીની બે સીટો છોડી દીધી છે. જ્યારે બાકીની સીટો ગઠબંધનના અન્ય સહયોગીઓને આપવામાં આવશે.