સુરતઃ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સુરતમાં પત્રકાર પરિષદમાં શક્તિદળ નામના સંગઠનને ફરી સક્રિય કરવાની જાહેરાત કરી છે. શંકરસિંહે 2000ના દાયકામાં શક્તિદળની રચના કરી હતી પણ કોંગ્રેસના સ્થાનિક નેતાઓના વિરોધને પગલે હાઈકમાન્ડે આદેશ આપતાં આ સંગઠનને તેમણે નિષ્ક્રિય કરી દીધું હતું. હવે તેમણે જાહેરાત કરી છે કે, શક્તિદળ બિન સરકારી સંગઠન એટલે કે એનજીઓ તરીકે કામ કરશે. ગુજરાતમાં જે યુવાનો દિશાવિહીન છે તેમને સાથે લઈને તેમને દિશા આપવામાં આવશે તથા તેમનું સશક્તિકરણ કરાશે. વાઘેલાએ અત્યારે વિધાનસભા દીઠ 500 યુવાનોની શક્તિદળમાં ભરતી કરવાની જાહેરાત કરી છે.
આ પત્રકાર પરિષદમાં વાઘેલાએ અયોધ્યામાં રામમંદિરના નિર્માણ મુદ્દે કહ્યુ કે, રામ મંદિરના નિર્માણનો મુદ્દો ઉઠાવી રહ્યા છે એ બધા નવરા લોકો છે. શંકરસિંહે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યુ કે, અયોધ્યા નવાબનું શહેર હતું અને ત્યાં મંદિર હતું જ નહીં. તેમણે એવો સવાલ પણ કર્યો કે, અયોધ્યામાં રામ મંદિર બનાવો કે ના બનાવો શું ફરક પડશે ?
વિશ્વ હિંદુ પરિષદ પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, વીએચપીએ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને હવે તે જ લોકોએ આ મુદ્દાને પડતો મૂક્યો છે. આ બધાં કામ નવરા લોકોનાં છે. અયોધ્યા એ નવાબોનું શહેર હતું અને ત્યાં ક્યારેય રામ મંદિર હતું જ નહીં.
સુરત સરકીટ હાઉસ ખાતે શંકરસિંહ વાઘેલાએ પત્રકારોને જણાવ્યું કે, શક્તિદળની સારા વિચારો સાથે યુવાનોને દિશા આપવા માટે રચના કરવામાં આવી છે. આ સંગઠનનો એક ડ્રેસ કોડ રહેશે અનેએક એનજીઓ તરીકે કામગીરી રહેશે.
વાઘેલાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે, હાલમાં આદિવાસી પટ્ટાના લોકો ભયંકર દુઃખી છે કેમ કે ત્યાં ભારે અત્યાચારો થાય છે અને આ અત્યાચારો ગુજારવામાં ભાજપ સરકારની સંડોવણી હોય જ છે. તેમની સાથે જે વ્યવહાર થાય છે તે જોતાં તો આદિવાસી સમાજ ઉછીનો સમાજ હોય તેવુ લાગે છે.
ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, માત્ર સરદારની પ્રતિમા બનાવી દેવાથી વિકાસ થતો નથી અને ભાજપનું નોઝ ડ્રાઇવ 2019માં થવાનું છે. 2014માં યુપીએની પરિસ્થિતિ સારી ના હતી પણ આજે છે કેમ કે પહેલાં પાંચ રાજ્યો ભાજપનાં હતાં જે આજે નથી. તેના કારણે 2019માં ભાજપની બેઠકો ઘટવાની છે અને તે 272 સુધી પહોંચી નહીં શકે. લોકોને જે વાયદા કરેલા તે પૂરા થયા નથી.