નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ 21 વિપક્ષી પાર્ટીઓ તરફથી દાખલ અરજી પર શુક્રવારે સુનાવણી કરશે. આ દળોની માંગ છે કે લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા ઓછામાં ઓછા 50% વોટોનું મેચિંગ વીવીપૈટની પર્ચીઓ સાથે કરવામાં આવે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવાની માંગને લઈ ગુરુવારે 10થી વધારે વિપક્ષીદળોના નેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા.
અરજીકર્તાઓમાં આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ, શરદ પવાર, ફારૂક અબ્દુલ્લા, શરદ યાદવ, અરવિંદ કેજરીવાલ, અખિલેશ યાદવ, ડેરેક ઓબ્રાયન અને એમકે સ્ટાલિન સામેલ હતા. આ મામલાની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ કરશે.
પહેલા પણ ઉઠાવ્યા હતા ઈવીએમ પર સવાલ
પાર્ટીઓએ કહ્યું કે, અમને ઈવીએમની પ્રમાણિકતા પર સંદેહ છે, જે ચૂંટણીની પ્રક્રિયાની પવિત્રતા પર પણ સંશય પેદા કરે છે. એવામાં આયોગ એ અનિવાર્ય કરે કે 50% ઈવીએમ મતોનું મેચિંગ વીવીપેટ પરચીઓ સાથે કરવામાં આવે. 21 વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ચૂંટણી આયોગને પણ મેમોરેન્ડમ સોંપ્યું. નવેમ્બર-ડિસેમ્બરમાં પાંચ વિધાનસભાઓમાં થયેલી ચૂંટણી દરમિયાન પણ આ પાર્ટીઓ દ્વારા ઈવીએમને લઈ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.