અમદાવાદઃ અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ઉમિયા માતાજીનું મંદિર બનવા જઇ રહ્યું છે.અમદાવાદના જાસપુરમાંઆકાર લઇ રહેલા ઉમિયા માતાજીના મંદિરનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્ધારા આગામી ચાર માર્ચેના રોજ કરવામાં આવશે. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીની હાજરીનો વિરોધ કરશે.
હાર્દિકે જણાવ્યું હતું કે, 'ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ વડાપ્રધાન મોદીની સરકાર દ્ધારા પાટીદાર સમાજ પર અમાનુષી અત્યાચાર ગુજારવામાં આવ્યો છે. પાટીદાર યુવાનો શહીદ થયા અને પાટીદાર યુવાઓ પર રાજદ્રોહના કેસ નોંધવામાં આવ્યા છે.
માતા-બહેનો પર ગાળો આપીને લાઠીઓ વરસાવવામાં આવી છે. ત્યારે સમાજના કેટલાક આગેવાનો પોતાની રાજકીય મહત્વકાંક્ષા સંતોષવા માટે કુળદેવી ઉમિયા માતાનો સોદો કરવા તૈયાર થયા છે. ઉમિયાધામનું ખાતમૂહર્ત વડાપ્રધાન મોદીના હસ્તે કરાવીને સમગ્ર કાર્યક્રમને ચૂંટણી સભામાં ફેરવી દેવાનું આયોજન થયું છે જે ખૂબ શરમજનક વાત છે.'
હાર્દિકે કહ્યું હતું કે, 'ઉમિયા ધામનું ખાતમૂહર્ત એ ધાર્મિક કાર્યક્રમ છે. જો આ કાર્યક્રમનું ખાતમૂહર્ત રાજકારણ પાસે કરાવવું હોય તો કોંગ્રેસ કે ભાજપમાં પાટીદાર સમાજના નેતાઓ ક્યાં નથી. વડાપ્રધાન મોદીના વ્હાલા થવા સમાજના આગેવાનો બધુ ભૂલી ગયા છે.
આ સંસ્થાનું ખાતમૂહર્ત રાજકારણીઓ પાસે કરાવવાના બદલે દેશ માટે બલિદાન આપનારા, અખંડ ભારતના નિર્માણ માટે રજવાડડા આપનારા રાજવી પરિવારોના પરિવાર અથવા તો 101 બ્રાહ્મણો પાસે પણ ઉમિયાધામનો ખાતમૂહર્ત કરાવી શકાય છે.
સમાજના નામે કુળદેવી ઉમિયા ધામના ખાતમૂહર્તના કાર્યક્રમમાં જો સમાજ પર અત્યાચાર કરનારા લોકો પાસે કરાવવામાં આવશે તો સમાજના યુવાઓમાં ગુસ્સો ફેલાય તે સ્વાભાવિક છે અને ત્યારબાદ જો કોઇ અચ્છનિય ઘટના બને તો તેની જવાબદારી સમાજના આગેવાનોની રહેશે.'
નોંધનીય છે કે, આ ભૂમિપૂજન કાર્યક્રમમાં 15 દેશના પ્રતિનિધિઓ અને 10 લાખ લોકો ઉપસ્થિત રહેશે. આ ઉમિયા માતાજીનું મંદિર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્ધારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. મળતી જાણકારી અનુસાર, ભૂમિપૂજન કાર્યક્રમમાં 5555 પાટલા સાથે એક સાથે દેશ વિદેશના લોકો પૂજન કરશે. મંદિર આગામી પાંચ વર્ષમાં તૈયાર કરવામાં આવશે. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલા જાસપુર ગામ ખાતે 100 વીઘા જમીનમાં એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે એમ્પાવરમેન્ટ હબ બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે.