અમદાવાદ :: શહેરનાં મોટેરા ખાતે નવા બનેલા વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ પહેલી ઇન્ટરનેશન મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાવા જઇ રહી છે. ત્યારે આ સ્ટેડિયમના ભવ્ય ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 23 ફેબ્રુઆરીએ સાંજે મોટેરા સ્ટેડિયમ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવે તેવી શક્યતા છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત રાષ્ટ્રપતિ હાજર રહેશે તેવી શક્યતા છે. આગામી 2 દિવસમાં રાષ્ટ્રપતિ આવશે કે કેમ તે નક્કી થશે. કાર્યક્રમની શક્યતાને જોતા પોલીસ તંત્ર અત્યારથી જ સજ્જ છે. ઇન્ટરનેશનલ મેચ અને ઉદ્ધાટન કાર્યક્રમને જોતા અત્યારથી જ અહીં જડબેસલાક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં 1 લાખ લોકોની બેસવાની ક્ષમતા છે. જો કે કોરોનાને પગલે 50 હજાર લોકોને જ મંજુરી અપાઇ છે. નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં સુરક્ષા વ્યવસ્થા પણ 3 લેયર રાખવામાં આવી છે. ગેટમાંથી પ્રવેશતી વખતે મેટલ ડિટેક્ટરથી ચેકિંગ થશે. ટિકિટ ચેક કરતી વખતે વ્યક્તિની તપાસ થશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ખાનગી ડ્રેસમાં પણ પોલીસ જવાનો તહેનાત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરક્ષા કારણોને ધ્યાને રાખીને સ્ટેડિયમમાં મોબાઇલ અને પાકીટ સિવાય અન્ય કોઇ પણ વસ્તુ લઇ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. આ ઉપરાંત નાગરિકોને રિવરફ્રન્ટ તરફથી એન્ટ્રી અપાશે. જ્યારે બંન્ને ક્રિકેટ ટીમને આશારામ આશ્રમ પાસેના VVIP ગેટ પરથી એન્ટ્રી મળશે. અન્ય ખાસ મહેમાનોને સંગાથ ફ્લેટવાળા ગેટ પરથી એન્ટ્રી અપાશે.