આજે ઈવીએમને લઈ વિપક્ષની બેઠક યોજાઈ. બેઠકમાં કોંગ્રેસે એક વાર ફરી ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંધવીએ ઈવીએમ પર સવાલ ઉઠાવતા આરોપ લગાવ્યો કે ચૂંટણી કમિશન આ મામલે યોગ્ય રીતે ધ્યાન નથી આપી રહ્યું.
તેઓએ કહ્યું, 'પહેલા ચરણ બાદ જ તેના પર સવાલ ઉઠ્યા પરંતુ આયોગે તેના પર ધ્યાન નથી આપ્યુ. જો તમે એક્સ પાર્ટીનું બટન દબાવો છો તો વાય પાર્ટીને જઈ રહ્યુ છે. વીવીપેટ પર ડિસ્પ્લે પણ 7 સેકન્ડની જગ્યાએ 3 સેકન્ડ માટે દેખાઈ રહી છે.'
અભિષેક મનુએ આગળ કહ્યું કે લાખો મતદાતાઓના નામ વગર ભૌતિક ચકાસણીએ ઑનલાઈન કાપી નાખવામાં આવ્યા. પાર્ટીઓએ ચૂંટણી કમિશનને એક લાંબી યાદી આપી છે. વીવીપેટની ઓછામાં-ઓછી 50 ટકા પેપર ટ્રેલને ગણવી હવે વધુ આવશ્યક થઈ ગઈ છે.
મનુએ આગળ કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ઈવીએમમાં ગડબડીના મુદ્દે દેશવ્યાપી અભિયાન ચલાવીશું. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂએ કહ્યું કે 21 રાજનીતિક દળ 50 ટકા મતદાન પરચીઓના મેચિંગ ઈવીએમ સાથે કરવાની માંગ કરી રહ્યુ છે.