અમદાવાદઃ ભાજપના દિગ્ગજ નેતા અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ચુડાસમાની વિધાનસભાની ચૂંટણીની જીતને પડાકારતી અરજીને લઈ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઇ હતી. આ મામલે હાઈકોર્ટે તપાસ માટે નિર્દેશ જાહેર કર્યા હતા. જેને પગલે ભૂપેન્દ્રસિંહે ચૂંટણીમાં ગેરરીતિ આચરી છે કે કેમ તે અંગે હવે તપાસ થશે.
જો ગેરરીતિ થઈ હોય તો જીત રદ્દ કરવી કે કેમ એ પણ મહત્વનો મુદ્દો ફ્રેમ કર્યો છે. આ તમામ મુદ્દાઓ અરજદાર અશ્વિન રાઠોડે સાબિત કરવા પડશે. જો આ બંને મુદ્દાઓ પુરવાર થાય તો ભૂપેન્દ્રસિંહનું ધારાસભ્ય પદ જઈ શકે છે.
નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહનો 327 મતે વિજય થયો હતો. ત્યાર બાદ તેની આ જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં પડકારી હતી. અરજીમાં અશ્વિન રાઠોડે જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં પોસ્ટલ બેલેટના 427 મત રદ કરવામાં આવ્યા હતા. જો ચૂંટણી અધિકારીએ તે રદ ના કર્યા હોત તો ભૂપેન્દ્રસિંહ જીતી શક્યા ન હોત.
જોકે, અશ્વિન રાઠોડની આ અરજીને રદ કરવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં ચુડાસમાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી જેને નામંજૂર કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ગરબડ કરીને જીત્યા છે તેવો આક્ષેપ કરીને ચુડાસમાની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ધોળકા વિધાનસભા બેઠક પર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માત્ર 327 મતે વિજેતા જાહેર થયા હતા.
જીતનું માર્જીન ઓછું હોવાથી કોંગ્રેસના ઉમેદવારે ફરી મતગણતરીની માંગ કરી હતી. તેમણે પોસ્ટલ બેલેટની ગણતરીમાં ગરબડ કરાઈ હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત વીવીપેટ સ્લીપની ગણતરી કરવાની પણ તેમણે માંગ કરી હતી.
જો કે ચૂંટણી અધિકારીએ તેમની માંગને ફગાવી દઈને ચુડાસમાને વિજેતા જાહેર કરી દીધા હતા. ચૂંટણી અધિકારીએ પોતાની માંગણી માન્ય નહીં રાખીને અન્યાય કર્યો છે અને ચુડાસમા દ્વારા ગરબડ કરાઈ હોવાના દાવા સાથે અશ્વિન રાઠોડે હાઈકોર્ટમાં અરજી કરી હતી.