ગાંધીનગરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીની મુલાકાત લીધી હતી. હાર્દિક પટેલે વારાણસીમાં વડાપ્રધાન મોદી સામે આગામી લોકસભા ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો.
નોંધનીય છે કે અગાઉ એવી ચર્ચા હતી કે હાર્દિક પટેલ વારાણસીમાં મોદી સામે ચૂંટણી લડશે. હાર્દિક કહ્યુ કે, ''તે ગરીબ, ખેડૂતો અને યુવાની સમસ્યા જાણવા-સમજવા માટે વારાણસીમાં જ નહી, પરંતુ દેશની તમામ જગ્યાએ પહોંચશે.'' આ સાથે બસપા અને સપાની ટિકિટ પર વારાણસીથી ચૂંટણી લડવા પરની સંભાવનાઓ પર વિરામ લગાવી દીધો હતો.
વારાણસી પહોંચેલા હાર્દિક પટેલનું બાબતપુર એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકોએ સ્વાગત કર્યુ હતુ. તે સિવાય હાર્દિક જ્યાં પણ શહેરમાં ગયો ત્યાં લોકોએ તેનો કાફલો રોકીને ફૂલમાળા આપીને તેનું અભિવાદન કર્યુ. શહેરમાં પ્રવેશ કરતાની સાથે જ તેણે સૌથી પહેલા સરદાર વલ્લભ ભાઇ પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યુ.
મીડિયાની સાથે વાત કરતા હાર્દિક પટેલે કહ્યુ કે, ''વારાણસીમાં ક્યાંય વિકાસ દેખાતો નથી. દેશની જનતામાં મોદીજીને લઇને ગુસ્સે છે. લોકો પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનું અનુભવે છે. એટલા માટે તેમની સત્તા વિરુદ્ઘ અવાજ ઉઠાવવો જોઇએ.'' એક સવાલના જવાબમાં હાર્દિક પટેલે કહ્યુ કે, ''લોકોને માં ગંગા વારાણસી બોલાવી શકે છે તો અમે અહીંયા પોતાના લોકોને મળવા માટે આવ્યા છીએ.''
હાર્દિક પટેલે કહ્યું હતુ કે, ''વારાણસીના પ્રવાસની પાછળ ચૂંટણી લડવાનો વિચાર નથી પરંતુ ખેડૂતો તથા ગરીબ લોકોની સાથે મળીને તેમની સ્થિતિ જાણી અને યુવા-ખેડૂતો માટે કંઇક કરવાની ઇચ્છા છે. દેશમાં સૌથી મોટી સમસ્યા ખેડૂતોના પાકની યોગ્ય કિંમત ન મળી અને બેરોજગારી છે.'
અમે સત્તાની વિરુદ્ઘ છીએ. આગામી લોકસભા ચૂંટણી ક્યા પક્ષનો સાથ આપશો તેવા સવાલ પર હાર્દિકે કહ્યું કે, 'દરેક જગ્યાએ અલગ-અલગ સમસ્યા છે અને તમામ સમસ્યાને લઇને આગળ વધી રહ્યા છે.'